બ્લાઇન્ડ વર્લ્ડ કપ જીતનારી મહિલા ટીમને ફડણવીસનું વચન, `તમને આર્થિક સહાય અને રોજગારની તક આપીશું’

મુંબઈઃ જોઈ ન શકતી મહિલાઓ માટે તાજેતરમાં પહેલી જ વાર જે બ્લાઇન્ડ ટી-20 વર્લ્ડ કપ યોજાયો હતો એમાં ચૅમ્પિયન બનીને નવો ઇતિહાસ રચનાર ભારતીય મહિલા ટીમનું શુક્રવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સન્માન કર્યું હતું અને તેમને રાજ્ય સરકાર તરફથી બનતી બધી જ મદદ કરવાની ખાતરી આપી હતી.
ફડણવીસે પોતાના સત્તાવાર નિવાસસ્થાન ` વર્ષા’માં દીપિકા ટી. સી.ના નેતૃત્વમાં અને મહારાષ્ટ્રની ગંગા કદમની વાઇસ-કૅપ્ટન્સીમાં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનું સન્માન કર્યું ત્યારે તેમને ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર તરફથી તેમને આર્થિક સહાય મળશે અને એ ઉપરાંત તેમને રોજગારની તક પણ અપાશે તથા તેમના માટે સ્પોર્ટ્સની માળખાકીય સગવડ પણ મળશે.
ફડણવીસે તેમનું બહુમાન કરતી વખતે પ્રવચનમાં કહ્યું, ` તમારી ટીમે દેશને ગૌરવ અપાવ્યું છે અને તિરંગાની શાન વધારી છે. તમારી આ સિદ્ધિ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. તમે તનતોડ મહેનત, એકધારી પ્રૅક્ટિસ અને સંકલ્પશક્તિ બતાવીને આ ઉપલબ્ધિ મેળવી છે. કોશિશ કરને વાલોં કી કભી હાર નહીં હોતી. રાજ્ય સરકાર તરફથી તમને પ્રૅક્ટિસ માટેનું કાયમી મેદાન મળશે. ખેલકૂદને લગતી તમારી પ્રગતિને આડે આર્થિક મુશ્કેલી કે પરિવારને લગતી મુસીબતો આવવી જ ન જોઈએ.’
આ પણ વાંચો…ભારતની મહિલાઓએ બ્લાઇન્ડ વર્લ્ડ કપમાં વિસ્ફોટક બૅટિંગ સાથે પાકિસ્તાનને પછાડ્યું



