150 દિવસના કાર્યક્રમ પછી મેગા ભરતી ઝુંબેશ હાથ ધરાશે: મુખ્યમંત્રી ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે જણાવ્યું હતું કે તેમની સરકાર કેડર પુનર્ગઠન, ભરતી નિયમો અપડેટ કરવા અને સહાનુભૂતિ નિમણૂકોને અંતિમ સ્વરૂપ આપવાના હેતુથી 150 દિવસનો કાર્યક્રમ પૂર્ણ કર્યા પછી મેગા ભરતી ઝુંબેશ હાથ ધરશે.
અનુસૂચિત જનજાતિ (એસટી) શ્રેણી હેઠળ ખાલી જગ્યાઓ અંગે વિધાનસભામાં માંડવામાં આવેલા ધ્યાનાકર્ષક પ્રસ્તાવનો જવાબ આપતા ફડણવીસે કહ્યું હતું કે રિક્ત પદોના આંકડા નક્કી કરવા પહેલા તમામ વિભાગોને આંતરિક સુધારા પૂર્ણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
‘સરકારે 75,000 જગ્યાઓની અગાઉ જાહેર કરાયેલી ભરતીના ભાગ રૂપે એક લાખથી વધુ જગ્યાઓ ભરી દીધી છે. જરૂર પડે ત્યાં ભરતી અટકાવીશું નહીં,’ એમ પણ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો: ફડણવીસે પંઢરપુરમાં ‘આષાઢી એકાદશી’ની પૂજા કરી, ખેડૂતોની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી
.તેમણે ગૃહમાં જણાવ્યું હતું કે કુલ 6,860 વ્યક્તિઓ હાલમાં એસટી-અનામત પદો પર કાર્યરત છે જેમના માન્ય જાતિ ચકાસણી પ્રમાણપત્રોની તપાસ થઈ નથી જેમાંથી કેટલાકે તો 20 વર્ષથી વધુ સમયથી સેવા આપી છે.
‘આ જગ્યાઓને સુપરન્યુમરરી જાહેર કરવામાં આવી છે, જેનો અર્થ એ છે કે તેઓ પ્રમોશન માટે પાત્ર રહેશે નહીં, કે નિવૃત્તિ પછી પણ તેમના પદો ચાલુ રાખવામાં આવશે નહીં. આ જગ્યાઓ હવે ખાલી છે અને તેને ભરવામાં આવશે. આમાંથી 1,343 એસટી-અનામત જગ્યાઓ પહેલેથી જ ભરાઈ ગઈ છે અને બાકીના જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે,’ એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.
જાતિ ચકાસણીને ઝડપી બનાવવા અને દસ્તાવેજીકરણને સરળ બનાવવા માટે, સરકાર બ્લોકચેન-આધારિત રેકોર્ડ સિસ્ટમ્સની તપાસ કરી રહી છે, એમ ફડણવીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો: 10 વર્ષમાં 2.71 લાખ રોકાણકારો સાથે 2.95 લાખ કરોડ રૂપિયાની છેતરપિંડી: ફડણવીસ
વેરિફિકેશન સમિતિઓને પણ મજબૂત બનાવવામાં આવી રહી છે, અને પ્રક્રિયાની ગતિ અને પારદર્શિતા સુધારવા માટે સચિવોના જૂથની નિમણૂક કરવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું.
ફડણવીસે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે સ્વચ્છતા કર્મચારીઓ માટે વારસાગત નિમણૂકો પરનો સ્ટે ઉઠાવી લીધો છે અને આ લાડ-પેજ સમિતિની ભલામણો અનુસાર ભરવામાં આવશે.
જાહેર બાંધકામ વિભાગ (પીડબ્લ્યુડી)માં એસટી-અનામત જગ્યાઓ પર ભરતી પણ હાથ ધરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.