મહારાષ્ટ્રમાં ચોમાસા પહેલા ‘આ’ બીમારીમાં થયો વધારો, સાવચેત રહેવાની તાકીદ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં આગામી ચોમાસાની ઋતુની તૈયારીરૂપે વિવિધ પગલાં લેવાઈ રહ્યા છે. ત્યારે રાજ્યભરમાં ચિકનગુનિયાના કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. જ્યારે મેલેરિયા અને ડેન્ગ્યુના ચેપ નિયંત્રણમાં છે. ચિકનગુનિયાના કેસોમાં વધારાને કારણે અધિકારીઓને દેખરેખ અને નિવારક પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે.
નેશનલ સેન્ટર ફોર વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ (NCVBDC)ના તાજેતરના ડેટા અનુસાર રાજ્યમાં ચિકનગુનિયાના કેસ 2024માં 473થી વધીને આ વર્ષે (21 એપ્રિલ સુધી) 658 થયા છે, જે 39 ટકાનો વધારો દર્શાવે છે. તેનાથી વિપરીત મેલેરિયાના કેસ ગયા વર્ષે 2,867થી થોડા ઘટીને 2025માં 2,726 થયા છે, જ્યારે ડેન્ગ્યુના ચેપ 1,639થી ઘટીને 1,373 થયા છે.
આપણ વાંચો: વિશેષઃ ચિકનગુનિયાથી સાવધાન…! આ વિગતો જાણવી જરૂરી
મહત્વનું છે કે 2025માં અત્યાર સુધી મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ઝિકા અથવા જાપાનીઝ એન્સેફાલીટીસ (JE) સહિતના કોઈ પણ વેક્ટર-જન્ય રોગોથી કોઈ મૃત્યુ નોંધાયું નથી. જોકે, ગયા વર્ષ કરતાં આ નોંધપાત્ર વધારો દર્શાવે છે, ગયા વર્ષે એપ્રિલ સુધીમાં મેલેરિયા સંબંધિત ચાર મૃત્યુ નોંધાયા હતા.
રાજ્ય વેક્ટર કંટ્રોલ યુનિટના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મૃત્યુ નહીં થવાનું કારણ ખાસ કરીને અમે વહેલા કેસ શોધી રહ્યા છીએ અને તેમની સારવાર કરી રહ્યા છીએ. પરંતુ ચિકનગુનિયામાં વધારો એ ચિંતાનો વિષય છે. જેમ જેમ ચોમાસુ નજીક આવી રહ્યું છે, તેમ તેમ સઘન દેખરેખ અને સ્ત્રોત ઘટાડવાના પ્રયાસો જરૂરી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ નાગરિકોને મચ્છરોના સંવર્ધન સ્થળોને દૂર કરવા અને વરસાદની ઋતુ નજીક આવતાં સતર્ક રહેવા વિનંતી કરી છે.