મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના નવા આર્થિક સલાહકારે કહ્યું કે નાણા વિભાગમાં દખલ નહીં કરું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના નવ-નિયુક્ત મુખ્ય આર્થિક સલાહકાર પ્રવીણ પરદેશીએ ગુરુવારે જણાવ્યું હતું કે, તેઓ સલાહકારની ભૂમિકામાં કામ કરશે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નેતૃત્વ હેઠળના નાણા વિભાગમાં દખલ નહીં કરે.
નિવૃત્ત આઈએએસ અધિકારીને ગયા અઠવાડિયે નવા બનાવેલા પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ પહેલેથી જ સરકારી થિંક ટેન્ક મહારાષ્ટ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મેશન (મિત્રા)ના વડા છે.
આપણ વાંચો: હેટ્રિક… શરદ પવાર અને અજિત પવાર 10 દિવસમાં ત્રીજી વખત સાથે આવશે, નવો કાર્યક્રમ, નવું સ્થળ અને સમય
અજિત પવારના ક્ષેત્રમાં તેમની દખલગીરી રહેશે તેવી ચાલી રહેલી અટકળો અંગે પૂછવામાં આવતાં પરદેશીએ કહ્યું કે એવું બનશે નહીં. ‘આ કોઈ સમાંતર વ્યવસ્થા નથી, પરંતુ હું નાણા વિભાગમાં સલાહકારની ભૂમિકામાં રહીશ,’ એમ તેમણે એક મરાઠી ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું.
એક જિલ્લા વ્યૂહાત્મક યોજના પર કામ ચાલી રહ્યું છે કારણ કે 2028-29 સુધીમાં મહારાષ્ટ્રને એક ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થામાં ફેરવવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જિલ્લા સ્તરનો વિકાસ મહત્વપૂર્ણ છે, એમ તેમણે કહ્યું હતું.
‘2028-29 સુધીમાં એક ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા પ્રાપ્ત કરવા માટે દરેક જિલ્લાને વિકાસના કેન્દ્ર બનાવવાની જરૂર છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દરેક જિલ્લાને વિકાસ કેન્દ્ર બનાવવાની જરૂર છે, પરંતુ હાલમાં જિલ્લાઓના જીડીપી બાબતના કોઈ આંકડા ઉપલબ્ધ નથી,’ એમ પરદેશીએ ઉમેર્યું હતું.