મહારાષ્ટ્ર સરકાર સીસીટીવી કેમેરાની જાળવણી માટે એકશન પ્લાન ઘડશે: ફડણવીસ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે જણાવ્યું હતું કે રાજ્યભરમાં સ્થાપિત સીસીટીવી કેમેરાની જાળવણી અને સમારકામ માટે ટૂંક સમયમાં એક એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવશે. કારણ કે યોગ્ય જાળવણીના અભાવે ઘણા કેમેરા બિનકાર્યક્ષમ થઈ ગયા છે.
રાજ્ય વિધાનસભામાં ભાજપના સભ્ય પ્રશાંત ઠાકુરના સવાલના જવાબમાં, ફડણવીસે સ્વીકાર્યું હતું કે ઘણી જગ્યાએ સીસીટીવી કેમેરાના સંચાલનમાં સમસ્યાઓ જોવા મળી રહી છે. વિધાનસભ્ય ભાસ્કર જાધવે પણ આ બાબતે પૂરક પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો.
મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, ‘રાજ્યના વિવિધ ભાગોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, પરંતુ અપૂરતી જાળવણીને કારણે તે ઘણીવાર કામ કરવાનું બંધ કરી દે છે. આ કેમેરા ક્યાં અને કેવી રીતે સ્થાપિત કરવા અને કેવી રીતે તેની જાળવણી કરવી જોઈએ તે નક્કી કરવા માટે ટૂંક સમયમાં એક વ્યાપક એક્શન પ્લાન બનાવવામાં આવશે. તેમના સમારકામ અને જાળવણી માટે એક જ, એકીકૃત એજન્સી જવાબદાર રહેશે.’
તેમણે એમ પણ કહ્યું હતું કે આ પગલા દ્વારા સમગ્ર મહારાષ્ટ્રમાં સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમમાં લાંબા ગાળાની કાર્યક્ષમતા અને જવાબદારી સુનિશ્ર્ચિત કરવાનો હેતુ છે. મુખ્ય પ્રશ્ર્ન રાયગઢ જિલ્લામાં સ્થાપિત સીસીટીવી કેમેરા અંગે હતો.
ફડણવીસે જણાવ્યું હતું કે જિલ્લામાં 300 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેમાંથી 79 કામ કરતા નથી.