કેબિનેટમાં જૂના નેતાઓને પડતા મૂકી નવા ચહેરાઓને તક મળશે? શિવસેના નેતાનું મોટું નિવેદન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને જંગી બહુમતી મળ્યા બાદ રાજ્યમાં મહાયુતિની સરકાર બની છે. દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે જ્યારે એકનાથ શિંદે અને અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે. હવે એવી ચર્ચા ચાલી રહી છે કે આગામી થોડા દિવસોમાં કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે. જોકે, પ્રધાનમંડળનું વિસ્તરણ કરતી વખતે કયા પક્ષને કયું ખાતું આપવામાં આવશે? તેમજ કયા નેતાઓને કયું મંત્રાલય આપવામાં આવે છે? તે અંગે ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. મહાયુતિના નેતાઓમાં પ્રધાનપદ મેળવવા ઇચ્છુકોએ લોબિંગ શરૂ કરી દીધું હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.
આ પણ વાંચો: નવા મંત્રીમંડળમાં શિવસેના શિંદે જૂથના કેટલા મંત્રીઓ?
આમાં મહાયુતિમાં ત્રણ મુખ્ય ઘટકપક્ષો હોવાથી દરેક પક્ષને મર્યાદિત પ્રધાનપદ મળે તેવી સંભાવના છે. કેટલાક નેતાઓને હટાવી નવા ચહેરાઓને પ્રધાનમંડળમાં તક આપવામાં આવશે તેવી ચર્ચા છે. હવે શિવસેના શિંદે જૂથના નેતા તાનાજી સાવંતે આ અંગે મોટી ટિપ્પણી કરી છે. તાનાજી સાવંતે કહ્યું છે કે પ્રધાનપદ આપતી વખતે દરેક પાસે રિપોર્ટ કાર્ડ હોય છે.
આ પણ વાંચો: શિવસેનાના વિધાનસભ્યોના ‘વર્ષા’ પર ધરણાં, એકનાથ શિંદેને નાયબ મુખ્ય પ્રધાન પદ લેવા મનાવ્યા
વિપક્ષે બેલેટ પેપર પર ચૂંટણી કરાવવાની માંગ કરી છે. શરદ પવાર પણ મારકડવાડીની મુલાકાત લઈ ચૂક્યા છે. આ અંગે બોલતા તાનાજી સાવંતે કહ્યું હતું કે, બધાએ બંધારણનું સન્માન કરવું જોઈએ. મહારાષ્ટ્રની જનતાએ લોકસભા ચૂંટણીમાં મતદાન કર્યું. અમે તે કૌલને મહાયુતિ તરીકે સ્વીકાર્યો. એ પછી એ જ લોકોએ અમને વિધાનસભામાં બહુમતી આપી. મને લાગે છે કે મહાવિકાસ આઘાડીના નેતાઓએ આત્મચિંતન કરવાની જરૂર છે. લોકસભા ચૂંટણી પછી શું ખોટું થયું છે? તે વિરોધીઓએ જોવું જોઈએ. વિપક્ષના વિધાનસભ્યોએ શપથ લીધા કે નહીં? એ તેમનો પ્રશ્ર્ન છે,’ એમ તાનાજી સાવંતે કહ્યું હતું.
કેબિનેટમાં નવા ચહેરાઓને તક આપવામાં આવશે?
શું મહાયુતિ સરકારની કેબિનેટ વિસ્તરણમાં જૂના નેતાઓને પડતા મૂકવામાં આવશે અને નવા ચહેરાઓને તક આપવામાં આવશે?, શું તમને પણ ફરીથી પ્રધાનપદની તક મળશે? એવા સવાલોનો જવાબ આપતાં તાનાજી સાવંતે કહ્યું હતું કે, દરેક પાસે રિપોર્ટ કાર્ડ છે. 2022માં સત્તા પરિવર્તન બાદ મને આરોગ્ય ખાતું આપવામાં આવ્યું હતું. તે પછી મેં મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગને અલગ દિશા આપવાનો પ્રયાસ કર્યો. અમારા મહાયુતિના ત્રણેય નેતાઓ કેબિનેટ વિસ્તરણ અંગે ચર્ચા કરશે. તેઓ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે. મને બીજી તક મળશે કે નહીં? આ મારા નેતાનો વિષય છે. તાનાજી સાવંતે કહ્યું કે તેમને જે જવાબદારી સોંપવામાં આવશે તેને પૂરી નિષ્ઠાથી પૂરી કરશે.