આગામી સપ્તાહમાં બે દિવસ મહારાષ્ટ્ર કેબિનેટ બેઠકનું આયોજન, મહત્ત્વના નિર્ણયો લઈ શકાય

મુંબઈ: લોકસભાની ચૂંટણીની જાહેરાત પછી આગામી અઠવાડિયામાં રાજ્યમાં આચારસંહિતા લાગુ પડી શકે છે ત્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહત્ત્વના નિર્ણયો લઈ શકાય છે. આ શક્યતાઓને લઈને મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાં હિલચાલ વધતી જોવા મળી રહી છે, તેથી મહારાષ્ટ્ર સરકાર દ્વારા 11 અને 12 માર્ચ એમ સળંગ બે દિવસ દરમિયાન રાજ્યમાં કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે, જ્યારે બે દિવસનું વિશેષ સત્ર રહેશે. અઠવાડિયામાં સળંગ બે દિવસ માટે કેબિનેટની બેઠક બોલાવવાનું પહેલી વખત બનશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
તાજેતરમાં દેશના ગૃહ પ્રધાન અમિત શાહ મહારાષ્ટ્રમાં આવ્યા હતા, જેને લીધે રાજ્યમાં પ્રધાનમંડળની બેઠક યોજી શકાઈ નહોતી, જેથી હવે આગામી અઠવાડિયામાં આચારસંહિતા જાહેર કરવામાં આવે તે પહેલા સરકાર દ્વારા સતત બે દિવસ માટે કેબિનેટની બેઠકનું આયોજન કર્યું છે, જેમાં મહત્ત્વના નિર્ણયો લઈ શકાય છે.
રાજ્યના મહત્ત્વના મુદ્દા પૈકી મરાઠા અનામત સહિત અન્ય પ્રકલ્પના ઉદ્ઘાટનને લઈને આ બેઠકમાં ચર્ચા કરી તેના અંગે નિર્ણય જાહેર લઈ શકાય છે. ચૂંટણી પહેલા રાજ્યમાં આચારસંહિતા જાહેર કરવામાં આવે છે, જેને કારણે સરકાર ચૂંટણી પહેલા મહત્ત્વની યોજનાઓ અને વિકાસલક્ષી કામકાજ માટે બજેટ જાહેર કરી મતદાતાઓને રાજી કરવાનો પ્રયત્ન કરી રહી છે.
જોકે આ બાબતે કોઈ પણ જીઆર જાહેર ન કરતાં વિધાનસભ્યોને કેટલું ભંડોળ આપવામાં આવશે એ બાબતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. વિલંબિત પ્રોજેક્ટ અંગે જીઆર જાહેર કરવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે, જેથી આચારસંહિતા લાગુ કર્યા પહેલા દરેક વિકાસલક્ષી કામકાજ માટે ભંડોળ પૂરું પાડી શકાય, એમ અધિકારીએ જણાવ્યું હતું.