મહારાષ્ટ્ર કેબિનેટે શહેરી વિસ્તારોમાં ઈ-બાઈક ટેક્સી માટેની નીતિને મંજૂરી આપી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર કેબિનેટે મંગળવારે રાજ્યના શહેરી વિસ્તારો માટે ઈલેક્ટ્રિક-બાઈક ટેક્સી માટેની નીતિને મંજૂરી આપી, જેનો લાભ 15 કિમી સુધી મુસાફરી કરતા એકલા પ્રવાસીઓેને મળશે. પત્રકારો સાથે વાત કરતા રાજ્યના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું કે, આગળના ચાલક અને પાછળના સવાર વચ્ચે યોગ્ય પાર્ટીશન અને ચોમાસા માટે માથા પર છાપરું ધરાવતી ઈ-બાઈકને ટેક્સી તરીકે ચલાવવાની મંજૂરી આપવામાં આવશે.
સરનાઈકે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મળેલી સાપ્તાહિક કેબિનેટની બેઠક બાદ આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે કેબિનેટે બેઠકમાં જ નીતિને મંજૂરી આપી છે અને એક મહેસૂલ મોડેલને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે સુરક્ષા અને પરવડીશકે એવું ભાડું પ્રાથમિકતા રહેશે.
‘સરકાર-પ્રમાણિત કોર્પોરેશનો અને બોર્ડ સાથે જોડાયેલા ઓટોરિક્ષા અને ટેક્સી ડ્રાઇવરોના બાળકો ઈ-બાઈક ટેક્સી માટે અરજી કરી શકે છે. તેમને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે અને તેઓ બાકીનું ભંડોળ લોન દ્વારા એકઠું કરી શકે છે,’ એમ તેમણે કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે આ પહેલ મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્રમાં 10,000થી વધુ અને રાજ્યના બાકીના ભાગમાં 10,000થી વધુ નોકરીઓનું સર્જન કરશે.
સરનાઈકે એમ પણ કહ્યું હતું કે, ‘આ પ્રદૂષણ મુક્ત મહારાષ્ટ્ર હાંસલ કરવાની દિશામાં પહેલું પગલું છે. અમે ટેરિફ ટૂંક સમયમાં નક્કી કરીશું. જો એક જ મુસાફરને મુસાફરી માટે 100 રૂપિયા ખર્ચવા પડે છે, તો અમે તે લગભગ 30-40 રૂપિયામાં કેવી રીતે કરી શકાય તે અંગે રસ્તો કાઢીશું.’
આપણ વાંચો : વાઘ્યા શ્વાનના સ્મારક અંગે ચર્ચા દ્વારા રસ્તો કઢાશે: ફડણવીસ…