મહારાષ્ટ્રના બોસ શિંદે: મનોજ જરાંગે પાટીલને જ્યુસ પીવડાવીને પારણાં કરાવતાં એકનાથ શિંદેએ માર્યા એક કાંકરે છ પક્ષી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યના રાજકારણમાં ભારે ચકચાર જગાવનારા મરાઠા સમાજના અનામત માટેના આંદોલનનું કોકડું ઉકેલવામાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને શનિવારે સફળતા મળી હતી અને તેમાં એક કાંકરે તેમણે છ પક્ષી મારીને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદે ‘અનાયાસે’ નથી બેઠા પરંતુ ક્ષમતાને જોરે બેઠા છે એવું સિદ્ધ કર્યું હતું. પાંચ દાયકાની પડતર માગણીને સંતોષીને તેમણે અનેક દિગ્ગજ નેતા પર સરસાઈ મેળવી છે.
મનોજ જરાંગે-પાટીલ મરાઠા અનામત માટે આક્રમક રીતે મેદાનમાં આવ્યા ત્યારથી જ એવું માનવામાં આવી રહ્યું છે કે એનસીપીના સ્થાપક શરદ પવારનો તેમના માથા પર હાથ છે અને તેથી આ કોકડું ઉકેલાશે નહીં, પરંતુ સરકારના પતનનું કારણ બનશે. એકનાથ શિંદેએ કોઈ રીતે અને કોઈનાથી માની ન શકનારા મનોજ જરાંગે-પાટીલને મનાવીને મરાઠા સમાજમાં ‘મરાઠા સ્ટ્રોન્ગમેન’ કરતાં પોતાનું કદ વધારી નાખ્યું છે.
મનોજ જરાંગે-પાટીલના આંદોલનમાં ખાસ કરીને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા. આ અગાઉ મરાઠા સમાજને આરક્ષણ આપવા છતાં મરાઠા સમાજના નિશાન પર રહેલા ફડણવીસે પોતાના સંકટમોચક ગણાતા ગિરીશ મહાજનને અનેક વખત વિષ્ટિ કરવા મોકલ્યા હતા, પરંતુ મરાઠા આંદોલનકારીઓએ મચક આપી નહોતી અને શિંદેના એક અવાજે આંદોલન પાછું ખેંચી લેવામાં આવ્યું અને આમ ફડણવીસ પર પણ એકનાથ શિંદેએ પોતાની સરસાઈ સિદ્ધ કરી હતી.
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પોતે પણ મરાઠા સમાજના હોવા છતાં મરાઠા સમાજને આરક્ષણ પાછું ખેંચી લેવા માટે સમજાવવામાં તેઓ નિષ્ફળ ગયા હતા. એક તબક્કે અજિત પવારે એવું દેખાડવાનો પ્રયાસ કર્યો હતો કે તેઓ મરાઠા સમાજ પર પકડ ધરાવે છે એટલે તેમને સંધિ કરવાની તક મળવી જોઈએ, પરંતુ મનોજ જરાંગે-પાટીલે જે રીતે અજિત પવારને હડધુત કર્યા હતા અને એકનાથ શિંદેના એક અવાજે માની ગયા હતા તેને શિંદેની મોટી જીત તરીકે જોવામાં આવે છે. આમ મરાઠા સમાજમાં શરદ પવાર અને અજિત પવાર બંને કરતાં પોતાનું મહત્ત્વ વધુ સિદ્ધ કરવામાં તેઓ સફળ થયા હતા.
મહારાષ્ટ્રના ત્રણ મોટા રાજકીય નેતાઓને હંફાવીને દાયકાઓ જૂનો પ્રશ્ર્ન ઉકેલીને તેમણે ભાજપના મોવડીમંડળને પણ એક મોટો સંદેશ આપ્યો છે કે તેમને રાજકીય બાબતોમાં અવગણી શકાય તેમ નથી.
મોરચાને મુંબઈ આવતો રોકીને તેમણે પોતાની તાકાત દર્શાવી આપી હતી. દેવેન્દ્ર ફડણવીસના ખાસ માનવામાં આવતા ગુણરત્ન સદાવર્તેએ મુંબઈ હાઈ કોર્ટમાં પિટિશન કરીને મરાઠા મોરચો મુંબઈમાં આવે અને તેને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સર્જાય તો મરાઠા સમાજને મુશ્કેલીમાં મૂકી શકાય એવો પેંતરો ઘડ્યો હતો, પરંતુ મોરચાને મુંબઈમાં આવવા ન દઈને તેમ જ વાશીમાં ભવ્ય ઉજવણી કરવાની વ્યવસ્થા કરીને એકનાથ શિંદેએ ફડણવીસના પેંતરાને નિષ્ફળ બનાવ્યો હતો.
મરાઠા સમાજને આરક્ષણ આપવાના તેમના મહત્ત્વના નિર્ણય બાદ રાજ્યના વિરોધપક્ષો કૉંગ્રેસ અને એનસીપીના મરાઠા નેતાઓએ પણ એકનાથ શિંદેની ખુલા મોંએ પ્રશંસા કરી છે અને આમ તેમનું રાજ્યના રાજકારણમાં કદ ઘણું વધી ગયું છે. આમ અત્યારે તો કહેવાતા શરદ પવારના મરાઠા અનામતના બાબરા ભૂતને કાબુમાં કરીને એકનાથ શિંદેએ પોતે સિદ્ધરાજ જયસિંહ હોવાનું સિદ્ધ કર્યું છે.