12 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર ભાજપનું શિરડીમાં સંમેલન: શાહ, નડ્ડા હાજરી આપશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિના જંગી વિજય બાદ મહારાષ્ટ્રમાં ભાજપ 12 જાન્યુઆરીએ શિરડીમાં રાજ્ય સ્તરીય સંમેલન યોજશે અને યુવાનોને લક્ષ્ય બનાવીને એક જનસંપર્ક કાર્યક્રમ શરૂ કરવાનો એજન્ડા રહેશે.
આ પણ વાંચો : શિવસેના મહાયુતિના ભાગરૂપે જ લડશે BMC ચૂંટણી
મુંબઈથી લગભગ 240 કિમી દૂર અહિલ્યાનગર જિલ્લામાં આવેલા શિરડીમાં આ એક દિવસના સંમેલનમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા ઉપરાંત 10,000 થી વધુ પદાધિકારીઓ અને કાર્યકરો હાજરી આપશે, એમ શુક્રવારે અહીં પાર્ટી દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.
સ્વામી વિવેકાનંદની વિચારધારામાંથી પ્રેરણા લઈને, યુવાનોને લક્ષ્ય બનાવીને આ સંમેલનમાં એક નવું અભિયાન શરૂ કરવામાં આવશે, એમ નિવેદનમાં જણાવાયું છે.
સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે.
આ પ્રસંગે મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસનું સન્માન કરવામાં આવશે, જેમણે શાસક મહાયુતિના ભારે બહુમતી સાથે સત્તામાં પાછા ફર્યા બાદ 5 ડિસેમ્બરે ત્રીજી વખત શપથ લીધા હતા, એમ પણ તેમાં જણાવાયું છે.
આ પણ વાંચો : કેબિનેટ વિસ્તરણના તારીખ અને સમય નક્કી, 35 પ્રધાનો શપથ લેશે
ભાજપની આગેવાની હેઠળના ગઠબંધન, જેમાં શિવસેના અને એનસીપીનો પણ સમાવેશ થાય છે, તેમણે નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણીમાં 288 બેઠકોમાંથી 230 બેઠકો જીતી હતી.