ઓલા, ઉબેર અને રેપિડો મુશ્કેલીમાંઃ બાઇક ટેક્સીના નિયમો તોડવા બદલ 863 વાહનને દંડ

મુંબઈઃ મહારાષ્ટ્ર બાઇક ટેક્સી નિયમો, 2025ના પાલનની તપાસ કરવા માટે નિયુક્ત પરિવહન વિભાગની સમિતિએ MMRમાં બાઇક ટેક્સી ઓપરેટરો ઉબેર, રેપિડો અને ઓલા દ્વારા અનેક ઉલ્લંઘનો શોધી કાઢ્યા હતા જેમ કે ટેક્સી તરીકે નોન-ઇલેક્ટ્રિક અને ખાનગી બાઇકનો ઉપયોગ, 13 માર્ચના આદેશ હેઠળ STA દ્વારા મંજૂર કરાયેલા ભાડા કરતાં વધુ ભાડું વસૂલવું.
પંદર કિલોમીટરની માન્ય મર્યાદાથી વધુ મુસાફરોને લઈ જવું અને ડ્રાઈવરોની ફરજિયાત પોલીસ ચકાસણી વિના સેવાઓ ચલાવવી. મિનિટ અનુસાર પરિવહન વિભાગે અત્યાર સુધીમાં ત્રણેય કંપનીઓની કુલ 863 બાઇક ટેક્સીઓ પર દંડ ફટકાર્યો છે.
રેકોર્ડ મુજબ રોપેન ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ (રેપિડો) દ્વારા સંચાલિત બાઇક ટેક્સીઓને સૌથી વધુ 702ને દંડ ફટકારવામાં આવ્યો હતો, ત્યાર બાદ ઉબેર ઇન્ડિયા સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ (ઉબેર) 85 અને ANI ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ (ઓલા) 76 બાઈક ટેક્સીને દંડ ફટકારવામાં આવ્યો હતો. ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં ત્રણેય કંપનીઓ સામે દાખલ કરાયેલા 16 પોલીસ કેસમાંથી, સૌથી વધુ 13 FIR – રેપિડો વિરુદ્ધ છે, ત્યાર બાદ 2 ઉબેર વિરુદ્ધ અને 1 ઓલા વિરુદ્ધ છે.
દરમિયાન, STAએ આ કંપનીઓને તેમના કામચલાઉ લાઇસન્સ સામે કોઈપણ કાર્યવાહી કરતા પહેલા પોતાનો પક્ષ રજૂ કરવા માટે સમય આપવાનો નિર્ણય લીધો છે. ઓથોરિટીએ નક્કી કર્યું કે પહેલા ટ્રાન્સપોર્ટ કમિશનર અને પછી ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ત્રણેય બાઇક ટેક્સી ઓપરેટરોના વરિષ્ઠ મેનેજમેન્ટ સાથે અલગ-અલગ બેઠકો કરશે. મુંબઈમાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા અમલમાં રહેલી આદર્શ આચારસંહિતાને કારણે, ત્રણ ઓપરેટરો સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, એમ અધિક પરિવહન કમિશનર અને STA સચિવ ભરત કલાસકરે જણાવ્યું હતું.
પરિવહન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ આ મહિનાની શરૂઆતમાં બાઇક ટેક્સીના મુદ્દાઓ પર સમીક્ષા બેઠક બાદ પરિવહન મંત્રી પ્રતાપ સરનાઇકના નિવેદન પછી તેઓ બાઇક ટેક્સી સંચાલકો સામે કડક કાર્યવાહીની અપેક્ષા રાખતા હતા. કલ્યાણ શહેરમાં એમએમઆરમાં થયેલા છેડતીના કેસ બાદ આ બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં એક સવારે એક મહિલા મુસાફરનું કથિત રીતે શોષણ કર્યું હતું.
STA મીટિંગના એક દિવસ પહેલા જ મંત્રી સરનાઈકે જાહેરાત કરી હતી કે STA નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બાઇક ટેક્સી એગ્રીગેટર્સ સામે પગલાં લેશે. STA એ આ વર્ષની શરૂઆતમાં MMRમાં બાઇક ટેક્સી સેવાઓ ચલાવવા માટે ત્રણ કંપનીઓને મુંબઈ બાઇક ટેક્સી નિયમો, 2025 હેઠળ કામચલાઉ બાઇક ટેક્સી ઓપરેટર લાઇસન્સ જારી કર્યા છે.
કામચલાઉ લાઇસન્સ આપતી વખતે STA એ શરત મૂકી હતી કે કંપનીઓએ મહારાષ્ટ્ર બાઇક ટેક્સી નિયમો, 2025 હેઠળ નિર્ધારિત તમામ નિયમો અને શરતોને પૂર્ણ કરીને એક મહિનાની અંદર કાયમી લાઇસન્સ માટે અરજી કરવી પડશે. શરતોમાંની એક હતી કે એક મહિનાની અંદર પરિવહન શ્રેણીમાં ઓછામાં ઓછી 50 ઇ-બાઇક ટેક્સીઓની નોંધણી કરાવવી.
STAએ પ્રથમ 1.5 કિમી માટે લઘુત્તમ ભાડું 15 રૂપિયા અને ત્યાર બાદ પ્રતિ કિમી 10.27 રૂપિયા નક્કી કર્યું હતું. ટેક્સી અને ઓટોરિક્ષા માટે ઉપયોગમાં લેવાતા ખટુઆ સમિતિ ફોર્મ્યુલા પર આધારિત ભાડા માળખાની એક વર્ષ પછી સમીક્ષા કરવામાં આવશે.



