Maharashtra Assembly Elections: પિતા અને પુત્રી વચ્ચે થશે ચૂંટણીનો જંગ?
મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના નેતા તેમ જ મહારાષ્ટ્રના પ્રધાન ધર્મારાવ બાબા આત્રામના દીકરીએ પક્ષ છોડીને શરદ પવાર જૂથની એનસીપીમાં જોડાવાનો ફેંસલો લીધો છે. આત્રામના પુત્રી ભાગ્યશ્રીને શરદ પવારના જૂથમાં સામેલ ન થવા માટે અજિત પવાર દ્વારા સમજાવવામાં આવ્યા હોવા છતાં તેમણે શરદ પવારના પક્ષમાં પ્રવેશ કર્યો હતો.
આ પણ વાંચો : મારા દીકરી-જમાઇને નદીમાં ફેંકી દો… અજિત પવારના મંત્રીના નિવેદનથી મચ્યો હંગામો…
ગઢચિરોલી જિલ્લાનાં આહેરી ખાતે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન શરદ પવાર જૂથના મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલ તેમ જ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની હાજરીમાં ભાગ્યશ્રીએ પક્ષ-પ્રવેશ કર્યો હતો.
ભાગ્યશ્રી વિરોધી કેમ્પમાં જતા રહ્યા હોવાને પગલે હવે શું આહેરી બેઠકના વિધાનસભ્ય તેમ જ ભાગ્યશ્રીના પિતા ધર્મારાવ અને ભાગ્યશ્રી વચ્ચે ચૂંટણીનો જંગ થશે કે શું તેવી ચર્ચા શરૂ થઇ છે.
નવેમ્બર મહિનામાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે ત્યારે પિતા અને પુત્રી વચ્ચે ચૂંટણી લડાશે તેવી શક્તા વર્તાવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે ભાગ્યશ્રીએ શરદ પવાર જૂથમાં સામેલ થતા વખતે જણાવ્યું હતું કે તેમના પિતાને જ્યારે નક્સલવાદીઓએ બાનમાં લીધા હતા ત્યારે શરદ પવારે તે સુરક્ષિત પાછા આવે તેની ખાતરી કરી હતી. શરદ પવારના પક્ષમાં પ્રવેશ કરીને તે પોતાનો આભાર વ્યક્ત કરી રહી હોવાનું ભાગ્યશ્રીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : મરાઠાઓને મદાર એકનાથ શિંદે પર, જરાંગેએ કહ્યું “શિંદે જ અપાવી શકે અનામત”
ઉલ્લેખનીય છે કે 1991માં માઓવાદીઓએ ધર્મારાવનું અપહરણ કર્યું હતું અને તેમને બંધક બનાવીને રાખ્યા હતા. ધર્મારાવના છુટકારાના બદલામાં માઓવાદીઓએ તેમના સાથીદારોને જેલમાંથી છોડવામાં આવે, તેવી માગણી કરી હતી. એ વખતે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શરદ પવાર હતા.