આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દિવાળી પહેલાં યોજાવાના એંધાણ, ક્યારે જાહેર થશે આચારસંહિતા ?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
રાજ્ય વિધાનસભાની ચૂંટણી પર તમામ રાજકીય પક્ષોની નજર છે. મહારાષ્ટ્રની વિધાનસભામાં કોણ જીતશે તે અંગે માત્ર રાજ્યમાં જ નહીં દેશમાં પણ ભારે ઉત્સુકતા છે. મહાયુતિ અને મહા વિકાસ આઘાડીની બેઠકોની વહેંચણી માટેની બેઠકોએ ગતિ પકડી છે. તેમાં આગામી થોડા દિવસમાં રાજ્યમાં આચાર સંહિતા લાગુ થશે એવી માહિતી આધારભૂત સૂત્રો પાસેથી મળી છે.

આગામી 12-15 દિવસમાં વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ થવાની શક્યતા હોવાથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ચૂંટણી સમયસર જ એટલે કે ઓક્ટોબરના ત્રીજા સપ્તાહમાં યોજાશે. બીજા શબ્દોમાં દિવાળી પહેલાં રાજ્યમાં ચૂંટણી થઈ જશે. જેને કારણે ક્યા નેતાઓ દિવાળી ઉજવે છે અને ક્યા નેતાઓનું દિવાળું નીકળે છે તે જોવાનું રહેશે.

ગયા વખતે એટલે કે 2019 માં 27 સપ્ટેમ્બરના રોજ રાજ્ય વિધાનસભાની ચૂંટણીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું અને 21 ઓક્ટોબરે મતદાન થયું હતું, જ્યારે પરિણામો 24 ઓક્ટોબરે જાહેર કરવામાં આવ્યાં હતાં. સૂત્રોએ જણાવ્યું હતું કે આ વખતે પણ આ જાહેરાત 25થી 30 સપ્ટેમ્બર સુધીમાં કરવામાં આવશે. એવું પણ જાણવા મળ્યું છે કે ચૂંટણી કદાચ એક જ તબક્કામાં આયોજિત કરવામાં આવશે.

રાજ્ય સરકાર તરફથી પણ આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને વહીવટી સ્તરે અમલમાં મૂકવાની કામગીરી તેજ બની છે અને પ્રોજેક્ટ પૂર્ણ થવાની તારીખ નક્કી થવા લાગી છે. જે રીતે પ્રોજેક્ટ પૂરા કરવામાં અને ઉદ્ઘાટનોની તારીખો નક્કી કરવામાં ઉતાવળ કરવામાં આવી રહી છે તેના પરથી સમયસર ચૂંટણી થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button