…તો હવે મહારાષ્ટ્ર વિધાનસભાનું રણશિંગું ફૂંકાશે, નેતાઓ લાગ્યા કામે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રની તમામ 48 લોકસભા બેઠકો માટે મતદાન થઇ ગયું છે અને લોકસભાની ચૂંટણી માટેની બધી તૈયારીઓ પૂરી થઇ ગઇ અને અને ચોથી જૂનના જાહેર થનારા પરિણામોની રાહ જોવાઇ રહી છે. જોકે મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની હોઇ રાજકીય પક્ષો દ્વારા એ માટે હિલચાલ પણ શરૂ કરી દેવામાં આવી છે.
એનસીપી અને શિવસેનાના બે ફાંટા પડ્યા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણો બદલાયા છે ત્યારે વિધાનસભાની ચૂંટણી પણ ખૂબ જ રસપ્રદ બની રહેશે. વિધાનસભાની ચૂંટણીમાં પણ મહાયુતિ કાયમ રહેશે કે શું તેના પર પણ બધાની નજર રહેશે અને લોકસભાની ચૂંટણીમાં મહાયુતિને પોતાનું સમર્થન આપીને ચૂંટણી ન લડવાનો નિર્ણય લેનારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરે પણ શું નિર્ણય લેશે તેની ચર્ચા પણ અત્યારથી જ શરૂ થઇ ગઇ છે.
બેઠકોની વહેંચણીની ચર્ચા શરૂ
મહાયુતિ અને મહાવિકાસ આઘાડીના પક્ષોમાં બેઠકોની વહેંચણી અંગે પણ ચર્ચા શરૂ થઇ ગઇ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. નાયબ મુખ્ય પ્રધાને એક ઇન્ટરવ્યૂમાં મહારાષ્ટ્રમાં ભાજપ જ મોટો ભાઇ રહેશે તેવું નિવેદન આપી મહાયુતિમાં ભાજપ વધુ બેઠકો પર લડશે તેવો સંકેત આપ્યો હતો. ત્યારે સોમવારે અજિત પવારે પણ પોતાના પક્ષના પદાધિકારીઓની એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણીને લઇને બેઠકોની વહેંચણી અને રણનિતી અંગે ચર્ચા થઇ હોવાનું જાણવા મળ્યું હતું.
લોકસભાની ઉણપ વિધાનસભામાં પૂરી કરાશે?
મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં અજિત પવાર જૂથના ભાગે ફક્ત ચાર બેઠક આવી હતી ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં વધુ બેઠકો મેળવવાનું લક્ષ્ય અજિત પવારનું હશે. અજિત પવાર જૂથના પ્રફુલ્લ પટેલે લોકસભાની ચૂંટણીની ઉણપ વિધાનસભાની ચૂંટણીમાં પૂરી કરાશે, તેવું નિવેદન આપ્યું હતું જેની ચર્ચા પણ થઇ રહી છે. કાકા શરદ પવાર સાથે છેડો ફાડ્યા બાદ પહેલી સભામાં જ અજિત પવારે વિધાનસભાની ચૂંટણીમાં 90 બેઠકો પરથી લડવાની જાહેરાત કરી હતી.
ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે
મહારાષ્ટ્ર વિધાનસભાની મુદત 26 નવેમ્બરના રોજ પૂરી થાય છે એટલે એ પહેલા રાજ્યમાં ચૂંટણી યોજવામાં આવી શકે તેવી શક્યતા છે. જ્યારે હરિયાણા વિધાનસભાની મુદત પણ ત્રીજી નવેમ્બરે પૂરી થઇ રહી છે. એટલે દિવાળી પહેલા ઓક્ટોબર મહિનામાં જ બંને રાજ્યોમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.
Also Read –