આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં મહાયુતિ અને MVA માં સીટ વહેંચણી થઇ ગઇ! જાણો કોણ કેટલી બેઠક પરથી ચૂંટણી લડશે…

મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય ધમધમાટ ચાલી રહ્યો છે. સોમવારે મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતાઓએ પાર્ટીના ટોચના નેતાઓ સાથએ બેઠક કરી હતી. ત્યાર બાદ કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેને સીટ શેરિંગ મુદ્દે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે મહાવિકાસ આઘાડી (MVA)માં સીટ શેરિંગ મુદ્દે કોઇ સમસ્યા નથી, પણ હજી સીટ શેરિંગ મુદ્દે ચર્ચા પૂરી થઇ નથી.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે રાજ્યની બધી જ 288 સીટ પર MVA ચૂંટણી લડશે. કૉંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે જણાવ્યું હતું કે 222 બેઠક પર સમજૂતિ થઇ ગઇ છે. બાકીની સીટો પર કાલે નિર્ણય થઇ જશે. જ્યાં આગળ જે પાર્ટીની જીતની શક્યતા વધારે હશે ત્યાં એ પાર્ટીનો ઉમેદવાર ઊભો રાખવામાં આવશે. અમારી વચ્ચે વધારે-ઓછું જેવું કંઇ નથી. અમારો એકમાત્ર ઉદેશ મહાયુતિને હટાવવાનો છે. અમે ચૂંટણી લડવા માટે તૈયાર છીએ.

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અને શરદ પવાર જૂથના નેતા અનિલ દેશમુખે જણાવ્યું હતું કે અમે કૉંગ્રેસ-એનસીપી (શરદ પવાર જૂથ) અને શિવસેના (ઠાકરે જૂથ) સાથે મળીને ચૂંટણી લડીશું. મહારાષ્ટ્રના લોકોમાં ગુસ્સાની આગ ભડકી રહી છે. ખેડૂતો મોંઘવારીને કારણે ગુસ્સામાં છે. કેટલાક ઉદ્યોગો મહારાષ્ટ્રમાં આવી શકતા હતા જે બીજા રાજ્યમાં જતા રહ્યા છે. રાજ્યના યુવા વર્ગને આને કારણે ઘણું નુક્સાન થયું છે. અમે જ મહારાષ્ટ્રમાં સરકાર બનાવીશું.

નાના પટોલેને જ્યારે સાત MLCની નિયુક્તિ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ બધું ચૂંટણી માટે કરવામાં આવી રહ્યું છે. બંધારણીય વ્યવસ્થાને કેવી રીતે છેતરવી એ ભાજપ દેશને શીખવાડી રહ્યો છે. તેઓ તો સુપ્રીમ કોર્ટના આદેશને પણ નથી માનતા. પાવરનો દુરૂપયોગ કરવો એ તો ભાજપનું કામ છે.

જો આપણે મહાવિકાસ અઘાડીની સીટ શેરિંગની સંભવિત ફોર્મ્યુલા વિશે વાત કરીએ, તો કોંગ્રેસ 100-110 બેઠકો, શિવસેના (ઉદ્ધવ જૂથ) 100-110 બેઠકો અને એનસીપી (શરદ પવાર) 80-85 બેઠક પર ચૂંટણી લડશે. આમાં ડાબેરી પક્ષો અને અન્ય નાના પક્ષોને પણ એડજસ્ટ કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button