Baba Siddique ની હત્યા અંગે દેવેન્દ્ર ફડણવીસે આપ્યું આ નિવેદન કે…
મુંબઈ: રાજ્યના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ભૂતપૂર્વ પ્રધાન તેમ જ આ વર્ષે જ કૉંગ્રેસ છોડીને અજિત પવાર જૂથમાં સામેલ થનારા નેતા બાબા સિદ્દીકીની હત્યા પ્રકરણે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે બાબા સિદ્દીકીની હત્યા પાછળ શું કારણ હોઇ શકે તેના વિવિધ પાસાઓની ચકાસણી થઇ રહી છે. પોલીસને આ હત્યા વિશે મહત્ત્વની જાણકારી મળી છે, જ્યારે વિપક્ષના નેતાઓને પણ જવાબ આપ્યો હતો.
ગોંદિયા ખાતે પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે બધા જ આ ઘટનાના કારણે આઘાતમાં છે બાબા સિદ્દીકી મારા ઘણી જ નજીક હતા. અમે વર્ષો સુધી સાથે કામ કર્યું હતું. પોલીસને તેમની હત્યા વિશે મહત્ત્વની જાણકારી મળી છે, પરંતુ એ વિશે હું હમણાં જણાવી નહીં શકું. એક વખત બધી કાયદાકીય પ્રક્રિયા પૂરી થઇ જાય ત્યાર પછી પોલીસ આ વિશે જાહેરમાં માહિતી આપશે.
શરદ પવારે આ ઘટના બાદ ફડણવીસના રાજીનામાની માગણી કરી એ બાબતે પ્રતિક્રિયા આપતા ફડણવીસે જણાવ્યું હતું કે શરદ પવારને આવી પરિસ્થિતિમાં પણ રાજકારણ દેખાય છે. તેમનું લક્ષ્ય ફક્ત સત્તા હાંસલ કરવાનું છે અને આવી ગંભીર ઘટના બને ત્યારે પણ તેમનો ડોળો સત્તા ઉપર જ હોય છે.
લૉરેન્સ બિશ્નોઈ ગેન્ગ દ્વારા આ હત્યાની જવાબદારી લેવામાં આવી હોવા વિેશે તેમણે કહ્યું હતું કે પોલીસને એક વાયરલ પોસ્ટ ધ્યાનમાં આવી છે જેમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યએ આ હત્યાની જવાબદારી લીધી હતી. જોકે, તેમાં કેટલી સત્યતા છે તેની ચકાસણી કરવામાં આવશે.