Baba Siddique ની હત્યા બાદ સત્તાધારી પક્ષ પર વિપક્ષનો બોમ્બમારો, આ વાત કહી…
મુંબઈ: બાબા સિદ્દીકીની હત્યા થયા બાદ વિપક્ષોએ સત્તાધારી પક્ષ પર જોરદાર હલ્લાબોલ કર્યો હતો અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના રાજીનામા સુદ્ધાંની માગણી કરી હતી. શરદ પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ), ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના અને કૉંગ્રેસના નેતાઓએ આ ઘટનાની નિંદા કરવા ઉપરાંત સરકાર પર નિશાન સાધ્યું હતું.
શરદ પવાર જૂથના નેતા જયંત પાટીલે સરકારને આડે હાથ લેતા કહ્યું હતું કે જો આ સરકારમાં સત્તાધારી પક્ષના નેતાઓ જ સુરક્ષિત નથી તો પછી સામાન્ય નાગરિકોનું શું? ભાજપના વિધાનસભ્યએ પોલીસ સ્ટેશનમાં કરેલા ગોળીબાર અને ફેસબુક લાઇવ સેશન દરમિયાન થયેલી ભૂતપૂર્વ નગરસેવકની હત્યાનો ઉલ્લેખ કરતા તેમણે સુરક્ષા પર પ્રશ્ર્નચિહ્ન ઊભું કર્યું હતું. તેમણે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના રાજીનામાની માગણી પણ કરી હતી.
કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્ય મલ્લિકાર્જુન ખડગેએ પણ આ વિશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ(પહેલા ટ્વિટર) પર જણાવ્યું હતું કે આ દુ:ખની ઘડી છે. સિદ્દીકીનું મૃત્યુ એ શબ્દોમાં વર્ણવી ન શકાય એ હદે ચોંકાવનારું છે. મહારાષ્ટ્ર સરકારે આ વિશે કડક તપાસ કરવી જોઇએ અને ન્યાય આપવો જોઇએ.
ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી(આએઇસીસી)ના ઇન-ચાર્જ રમેશ ચેન્નિથલાએ જણાવ્યું હતું કે આ ઘટનાથી મુંબઈમાં કઇ હદે અંધૂધૂંધી ફેલાયેલી છે તે સાબિત થાય છે. કાયદાનું રાજ નથી રહ્યું. આ ઘટનાની જવાબદારી લઇને મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનોએ તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઇએ. મહારાષ્ટ્ર વિધાનસભાની વિરોધ પક્ષના નેતા વજિય વડેટ્ટીવારે પણ રાજ્યમાં કાયદો અને સુવ્યવસ્થા નાશ પામી હોવાની ટીકા કરતા કહ્યું હતું કે પંદર દિવસ પહેલા સિદ્દીકીને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી અને શું ફિલ્મસ્ટારના ઘરની બહાર થયેલા ગોળીબાર અને આ ઘટના વચ્ચે કોઇ સામ્ય છે? વાય કેટેગરીની સુરક્ષા હોવા છતાં આ હત્યા કરાઇ હોવાની ટીકા પણ તેમણે કરી હતી.
ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે પણ હત્યા વિશે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ મુંબઈ પોલીસની છબીને છાજતું નથી. હું પોલીસને વિનંતી કરું છું કે એવી પગલાં લે કે આવી ઘટના ફરી કોઇ વખત ન બની શકે.
ફડણવીસ જો રાજીનામું ન માગે તો રાજ્યપાલે તેમનું રાજીનામું માગી લેવું જોઇએ.
ઉદ્ધવ સેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ આ વિશે જણાવ્યું હતું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા નામની વસ્તુ બચી જ નથી. જો એક વ્યક્તિ જેને સુરક્ષા આપવામાં આવી હોય તેની સાથે આ ઘટના બની શકે તો પછી સામાન્ય નાગરિકોનું શું?