મહાલક્ષ્મી મંદિર સુશોભીકરણ પ્રોજેક્ટની ડેડલાઈન માર્ચ, ૨૦૨૬

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાનું શ્રદ્ધાનું સ્થાન ગણાતા મહાલક્ષ્મી મંદિર પરિસરનું ચોમાસાને કારણે અટવાઈ ગયેલું સુશોભીકરણ કામ ફરી શરૂ થયું છે. હાલ સુશોભિત પ્રવેશદ્વાર બેસાડવાનું તથા રસ્તો બનાવવા સહિત ત્યાં સ્ટોલ પુન:સ્થાપિત કરવા માટે ડિઝાઈન કરવાના કામ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પાલિકાએ માર્ચ, ૨૦૨૬ સુધીમાં આ પ્રોજેક્ટને પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ઓક્ટોબર ૨૦૨૪માં તત્કાલીન મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે પ્રોજેક્ટનું કામ એક વર્ષ બાદ જૂન, ૨૦૨૫માં શરૂ થયું હતું અને ત્યારબાદ ભંડોળના અભાવે કામ ફરી અટકી પડ્યું હતું. આ દરમ્યાન ચોમાસું શરૂ હોવાને કારણે ઑક્ટોબર સુધી કામ બંધ રાખવું પડ્યું હતું.
શનિવારે પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ મહાલક્ષ્મી મંદિરમાં સવારના મુલાકાત લઈને પ્રોજેક્ટની વિગતવાર માહિતી મેળવી હતી. તેમની સાથે મહાલક્ષ્મી મંદિર પરિસર બ્યુટીફિકેશન પ્રોજેક્ટના સલાહકાર આર્કિટેક્ટ શશાંક મેહંદળે સહિત મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટના પદાધિકારીઓ પણ હાજર હતા.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ ચોમાસા પછી ફરી કામ શરૂ થયું છે અને લાઈટિંગનું કામ પૂરું થવાને આરે છે. હાલમાં રોડને વિકસાવવાનું અને દરવાજાના સુશોભીકરણનું તથા તેના કમાનને બેસાડવા સહિતના કામ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ભીંતચિત્રનું કામ પ્રોજેક્ટના અંતિમ તબક્કામાં હાથ ધરવામાં આવશે. આગામી છ મહિનામાં પ્રોજેક્ટ પૂરો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
આ દરમ્યાન પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ તમામ સંબંધિત અધિકારીઓને કામ ઝડપથી પૂરા કરવા અને આ વિસ્તારનું સુશોભીકરણ સહિત અન્ય સંબંધિત કાર્ય પૂર્ણ થઈ જાય પછી ભક્તોને મહત્તમ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે.
લગભગ ૩૦૦ વર્ષ જૂનું પ્રતષ્ઠિત મહાલક્ષ્મી મંદિર ભુલાભાઈ દેસાઈ રોડ પર આવેલું છે. પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ મંદિરમાં દરરોજ સરેરાશ ૭૦,૦૦૦ ભક્તો દર્શન માટે આવે છે. નવરાત્રી દરમ્યાન પાંચ લાખથી વધુ લોકો મંદિરમાં આવે છે.
મંદિરના સુશોભીકરણ પ્રોજેક્ટમાં મંદિરના પરિસરમાં આવેલા સ્ટોલને ફરી ગોઠવવા અને સુશોભીત પ્રવેશદ્વાર, સૌર પેનલ્સ બેસાડવા સહિત એસ્કેલેટર અને સીસીટીવી કેમેરા બેસાડવા, લાઈટીંગ માટે કંટ્રોલરૂમ સ્થાપિત કરવા, સાઈનેજ બેસાડવા જેવા કામનો સમાવેશ થાય છે. વધુમાં આ પ્રોજેક્ટમાં મંદિરથી કોસ્ટલ રોડ ગાર્ડન સુધી સ્કાયવોક બનાવવાનો અને વોકવે બનાવવાનો કામનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ આશરે ૨૫ કરોડ રૂપિયા છે.