વેકેશનમાં મહાબળેશ્વર જવાનો પ્લાન કરનારાઓ આ ખાસ વાંચે…..

મુંબઇઃ લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે નાગરિકોને કેન્દ્રમાં રાખીને અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. લોકોને જુદી જુદી રાહત આપવામાં આવી રહી છે, પણ એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને કારણે અહીંના લોકોમાં નારાજગીના સૂર છે. ખાસ કરીને ઉનાળુ વેકેશન આવી રહ્યું છે, ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાથી લોકો ઘણા નારાજ છે અને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. લોકોની ચિંતાનું કારણ છે ટૉલમાં વધારો.
પુણેથી સાતારા હાઈવે પર, ખેડ-શિવાપુર ટોલ બૂથ આવે છે. પહેલી એપ્રિલથી આ ટોલ બુથ પરના ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. એમ જાણવા મળ્યું છે કે 1 એપ્રિલથી લગભગ અઢી ટકાના વધારા સાથે ટૉલ ટેક્સ વસુલવામાં આવશે. પહેલી એપ્રિલથી અહીં કાર, જીપ સહિતના હળવા વાહનોના ટોલ દરમાં પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવશે. અત્યાર સુધી હળવા વાહનો પાસેથી 115 રૂપિયા વસુલવામાં આવતા હતા હવે 120 રૂપિયા વસુલવામાં આવશે. હળવા કોમર્શિયલ વાહનો (LCV)ના ટોલ દરમાં પણ 5 રૂપિયાનો વધારો થશે, 185 રૂપિયાને બદલે આ વાહનોને 190 રૂપિયા ચૂકવવા પડશે. બસ અને ટ્રકોના ટોલ દરમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેમણે હવે 400 રૂપિયા ચૂકવવા પડશે. જે ભારે વાહનોને અત્યાર સુધી 415 રૂપિયા ચૂકવવા પડતા હતા, તેમણે હવે 420 રૂપિયા ચૂકવવા પડશે અને જે ભારે વાહનોને અત્યાર સુધી 615 રૂપિયા ચૂકવવા પડતા હતા, તેમણે હવે 630 રૂપિયા ચૂકવવા પડશે.
જોકે, મુંબઇથી મહાબળેશ્વર જતા રસ્તામાં આવતા ખેડ-શિવાપુર ટોલ બૂથ પર ખાનગી ફોર વ્હિલર માટેના ટોલમાં કરવામાં આવેલો પાંચ રૂપિયાનો વધારો બહુ મોટો ન કહેવાય, પણ મુંબઇથી મહાબળેશ્વર જવા માટે પેટ્રોલ-ડીઝલ સહિત ટોલની કિંમત બધુ જ ધ્યાનમાં લેવું જોઇએ અને ફાસ્ટેગમાં પૂરતી રકમ રાખવી જોઇએ, જેથી તમને વાંધો ના આવે.