Good News: મહા-વિસ્ટા પ્રોજેક્ટ પાટે ચઢ્યો, નવા સંસદભવન જેવું મુંબઈમાં બનશે મંત્રાલય
મુંબઈ: દિલ્હીમાં જૂના સંસદભવનના બદલે નવું સંસદ બનાવવા માટેના સેન્ટ્રલ-વિસ્ટા પ્રોજેક્ટની જેમ જ મહા-વિસ્ટા પ્રોજેક્ટ હાથ ધરી મુંબઈના મંત્રાલય તેમ જ અન્ય બાંધકામોની કાયાપલટ કરવાની મહારાષ્ટ્ર સરકારની યોજના છે અને એ માટે હાલમાં જ સરકાર દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી હતી.
મંત્રાલયની બ્લિડીંગ, પ્રધાનોના બંગલો અને ગાંધી ગાર્ડન જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કાયાપલટ માટે મહારાષ્ટ્ર સરકારે એક સ્પર્ધાનું આયોજન કર્યું છે, જેમાં દુનિયભરના આર્કિટેક્ટ-એન્જિનિયરોને આમંત્રણ આપવામમાં આવ્યું છે.
આ સ્પર્ધામાં નવા મંત્રાલય સહિતના બાંધકામો માટેની ડિઝાઇન માટેના આઇડિયા પ્રસ્તુત કરવામાં આવશે. જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ડિઝાઇન પસંદ પડશે તેને આ પ્રોજેક્ટ માટે પ્રધાન્ય આપવામાં આવશે.
આ પણ વાંચો : મુંબઈમાં વાહનોની સંખ્યા ૪૮ લાખની પાર, પ્રદૂષણ અને ટ્રાફિકજામનું જોખમ વધશે…
નવી બિલ્ડિંગની કન્સેપ્ટ ડિઝાઇન, લે-આઉટ પ્લાન, ડ્રૉઇંગ સહિતનું પ્રેઝન્ટેશન, પ્રસ્તાવિત માસ્ટર લે-આઉટ અને થ્રી-ડી વૉક-થ્રુ સહિતની વસ્તુઓ આ સ્પર્ધામાં ધ્યાનમાં લેવામાં આવશે, તેમ સરકારે આપેલી જાહેરાતમાં જણાવવામાં આવ્યું હતું.
આ જાહેરાત મહારાષ્ટ્ર સરકારના જાહેર બાંધકામ વિભાગ દ્વારા સમાચાર પત્રો સહિતના પ્રસાર માધ્યમોમાં આપવામાં આવી હતી. એટલે કે મહા-વિસ્ટા પ્રોજેક્ટનું પ્રાથમિક તબક્કાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં મુંબઈમાં અત્યાધુનિક બાંધકામ અને ટેક્નોલોજી ધરાવતું મંત્રાલય તૈયાર કરવા માટેનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.