દૂધમાં ભેળસેળ કરનારાની ખૈર નહીં, મહારાષ્ટ્ર સરકારની જાણો યોજના

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ દૂધ અને ડેરી પેદાશોમાં થતી ભેળસેળને રોકવા માટે અલગ કાયદાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે અને કહ્યું છે કે રાજ્ય સરકાર કેન્દ્રને વિનંતી કરશે કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળને બિનજામીનપાત્ર ગુનો બનાવવામાં આવે. શિંદે ગુરુવારે સાંજે રાજ્યમાં પ્રાથમિક શાળામાં શિક્ષણની ગુણવત્તા તેમજ દૂધ અને દૂધના ઉત્પાદનોમાં ભેળસેળની સમીક્ષા માટે આયોજિત એક બેઠકમાં બોલી રહ્યા હતા.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર અનુસાર તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર પ્રિવેન્શન ઓફ ડેન્જરસ એક્ટિવિટીઝ હેઠળ આવરી લેવાયેલા સ્લમલોર્ડ્સ, બુટલેગર્સ, ડ્રગ ઓફેન્ડર્સ એન્ડ ડેન્જરસ પર્સન્સ એક્ટ (એમપીડીએ) કરતાં વધુ કડક કાયદો રાજ્યમાં ઘડવો જરૂરી છે.
આ પણ વાંચો: એકનાથ શિંદેએ રોહિત શર્મા ભારતીય ટીમના અન્ય 3 સભ્યોનું સન્માન કર્યું
મુખ્ય પ્રધાને ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) અને ડેરી વિકાસ વિભાગોને દૂધમાં ભેળસેળ સામે સંયુક્ત કામગીરી શરૂ કરવા જણાવ્યું હતું કારણ કે ‘તેની અત્યંત આવશ્યકતા છે’. ગૃહ વિભાગ આ વિભાગોને સહકાર આપશે એવી ખાતરી પણ તેમણે આપી હતી. દૂધ ઉત્પાદક ખેડૂતોને પણ ભેળસેળને કારણે તકલીફ પડે છે એમ તેમણે જણાવ્યું હતું.
ખોરાકમાં ભેળસેળને ગંભીર ગુનો ગણવાની જરૂરિયાત પર શિંદેએ ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે એની બાળકો પર પ્રતિકૂળ અસર થાય છે. આવનારી પેઢીને નુકસાન થશે અને ખોરાકમાં ભેળસેળને કારણે કેન્સર જેવા ઘાતક રોગોની ઝપેટમાં અનેક લોકો આવી જશે તેમ તેમણે જણાવ્યું હતું.
આ કારણસર ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા લોકો સામે એમપીડીએ હેઠળ જે જોગવાઈ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે તેના કરતાં વધુ કડક કાર્યવાહી હોવી જોઈએ. તેમણે ડેરી વિકાસ વિભાગને રાજ્યમાં દૂધમાં ભેળસેળ માટે અલગ કાયદો બનાવવા માટે પગલાં ભરવાનો નિર્દેશ આપ્યો હતો એમ પરિપત્રમાં ઉમેરવામાં આવ્યું હતું.
(પીટીઆઈ)