આ કારણે ગુજરાતના જામનગર નહીં જાય મહારાષ્ટ્રની ‘માધુરી’, જાણો શું છે સમગ્ર મામલો?

મુંબઈઃ આખરે બોમ્બે હાઈ કોર્ટે મહારાષ્ટ્રની મહાદેવી માધુરી (હથિણી)ને ગુજરાતના જામનગર સ્થિત એલિફન્ટ વેલ્ફેર ટ્રસ્ટ મોકલવા પર વચગાળાની રોક લગાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે માધુરી પર માલિકી હક ધરાવતા સ્વસ્તિશ્રી જિનસેન ભટ્ટાર્ક પટ્ટાચાર્ય મહાસ્વામી સંસ્થા મઠ (કરવીર) દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણી કર્યા બાદ આ રોક લગાવામાં આવી છે. વન વિભાગ અંતર્ગત આવતી હાઈ પાવર કમિટીને મળેલા એક પત્રના આધારે 28મી ડિસેમ્બર 2023ના રોજ માધુરીને જામનગર મોકલવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેના વિરોધમાં જૈન અનુયાયીઓની કોલ્હાપુર સ્થિત સંસ્થા દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
જસ્ટિસ એ.એસ ચાંદુરકર અને જસ્ટિસ જિતેન્દ્ર જૈનની બેન્ચે કહ્યું કે, માધુરી પર માલિકી હક ધરાવાનો દાવો કરવામાં આવ્યો છે એટલે તેની સોંપણી કરતાં પહેલાં હાઈ પાવર કમિટી (એચપીસી)એ સંસ્થાનો પક્ષ સાંભળવો પણ ખૂબ જ જરૂરી છે. બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે એચપીસી જે પણ નિર્ણય લે તેના પર સાત દિવસની અંદર અમલ ન કરવામાં આવે. આ રીતે બેન્ચે માધુરીના ટ્રાંસફર પર રોક લગાવી છે.
અરજીમાં સંસ્થા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે માધુરી 1992થી તેમની સાથે છે અને સંસ્થા તેની પુરતી અને સારી રીતે સંભાળ રાખી રહી છે. પરિણામે તેમને માધુરીના કૃષ્ણા ટેંપલ એલિફંટ વેલ્ફેર ટ્રસ્ટમાં ટ્રાન્સફર આપવના નિર્દેશની અપેક્ષા ન હતી. અરજી અનુસાર સંસ્થા પાસે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટની ધારા 40 (2)નું જરૂરી ઘોષણાપત્ર પણ છે. તેમ છતાં એચપીસીએ સંસ્થાને પોતાનો પક્ષ રાખવાનો અવસર ન આપ્યો.
કોલ્હાપુરના વન અધિકારી દ્વારા માધુરીના ટ્રાન્સફરને લઈ એનઓસી જારી કરવામાં આવી છે. આ સાથે જ સરકારી વકીલે આ મામલામાં નિર્દેશ માટે સમય માગ્યો છે. આ ઉપરાંત વેલ્ફેર ટ્રસ્ટના વકીલે પણ કહ્યું હતું કે અરજીકર્તાના નિવેદન પર જ્યાં સુધી કોઈ નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી માધુરીના ટ્રાન્સફરની દિશામાં કોઈ પગલા લેવામાં ના આવે.