થાણેમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા શખસના કુટુંબને 42 લાખ વળતર ચૂકવવાનો આદેશ…

થાણે: થાણેમાં 30 નવેમ્બર, 2019ના રોજ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા શખસના પરિવારને 42.27 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલ (એમએસીટી)એ આદેશ આપ્યો છે.
એમએસીટીના સભ્ય કે.પી. શ્રીખંડેએ પચીસમી જુલાઇએ આપેલા ચુકાદામાં વાહનના માલિક અને વીમા કંપની બંનેને સંયુક્ત અને અલગ અલગ રીતે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે, જેમાં વીમા કંપનીને પોલિસીની શરતોના ભંગ બદલ વાહનના માલિક પાસેથી વળતરની રકમ વસૂલ કરવાની છૂટ આપવામાં આવી છે.
ઘોડબંદર રોડ પર ટ્રકે મોટરસાઇકલને અડફેટમાં લેતાં સંજય વિલ્સન તોડેનું મૃત્યુ થયું હતું, જે ખાનગી કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો. સંજય તોડેના આકસ્મિક મૃત્યુ માટે વળતર માગતી અરજી મોટર વેહિકલ એક્ટ, 1988ની કલમ 166 હેઠળ દાખલ કરાઇ હતી.
દરમિયાન અરજદારના એડવોકેટ પી.એન. જાધવે ટ્રક ડ્રાઇવર પર બેદરકારીપૂર્વક વાહન હંકારવાનો આરોપ કર્યો હતો, જ્યારે વાહનના માલિક અને વીમા કંપનીના વકીલ વી.પી. કદમ તથા એ. કે. તિવારીએ આ આરોપોને નકારી કાઢ્યા હતા.
એમએસીટીના સભ્ય શ્રીખંડેએ પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે ટ્રક ડ્રાઇવર વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ 304-એ અને મોટર વેહિકલ એક્ટ હેઠળ દાખલ એફઆઇઆર દર્શાવે છે કે તે બેદરકારીપૂર્વક વાહન હંકારી રહ્યો હતો. (પીટીઆઇ)
આ પણ વાંચો…ઝઘડામાં ભાઈના મૃત્યુ માટે જવાબદાર રિક્ષા ડ્રાઈવરને પાંચ વર્ષની કેદ