લંડનમાં નોકરી અપાવવાને બહાને દંપતી સાથે 27 લાખ રૂપિયાની ઠગાઇ: મહિલાની ધરપકડ

મુંબઈ: લંડનમાં નોકરી અને યુનાઇટેડ કિંગડમના વિઝા અપાવવાને બહાને દંપતી સાથે 27 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા પ્રકરણે મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.
મહિલાની ઓળખ આકાંક્ષા રાજેન્દ્ર તિવારી તરીકે થઇ હોઇ પોલીસ આ કેસમાં બીજા આરોપીની શોધ ચલાવી રહી છે.
એન્જિનિયરિંગ ક્ધસલટન્ટ વિકાસ વિદુરકુમાર ખાતીવેદાએ કાંદિવલી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની પત્ની મોનિકા દહલ લંડનમાં નોકરી કરવા માગતી હતી. મુંબઈમાં નોકરી અને વિઝા સેવા આપતી એજન્સીઓની શોધ કરતી વખતે સોશિયલ મીડિયા પર ખાનગી કંપની વિશે તેને જાણવા મળ્યું હતું.
આપણ વાચો: ઉલ્હાસનગરમાં નકલી હવન કરાવીને વૃદ્ધા સાથે 24 લાખ રૂપિયાની છેતરપિંડી: સાત સામે ગુનો
કંપનીએ યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુરોપ તથા અન્ય દેશોમાં નોકરી અને વિઝા સેવાઓ ઓફર કરવાનો દાવો કરતી અનેક સ્ટોરી પોસ્ટ કરી હતી. આથી મોનિકાએ તેમાં આપેલા નંબર પર કૉલ કર્યો હતો અને આકાંક્ષા તિવારી સાથે તેની વાતચીત થઇ હતી.
દંપતી બાદમાં કાંદિવલીમાં રઘુલીલા મોલ ખાતે તિવારીને ઓફિસમાં મળ્યું હતું. તિવારી તેમ જ કંપનીનો માલિક હોવાનો દાવો કરનારા રોહિત સોનગરાની સૂચના મુજબ તેમણે જૂન, 2024 અને મે, 2025 દરમિયાન 27 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.
આપણ વાચો: થાણેના વેપારી સાથે 16.82 લાખની છેતરપિંડી: ચાર વિરુદ્ધ ગુનો…
જોકે રૂપિયા આપ્યા છતાં મોનિકા માટે વર્ક વિઝા અને તેના પતિ માટે ડિપેન્ડન્ટ વિઝા આપવામાં આવ્યા નહોતા. બંને આરોપી બાદમાં તેમને ટાળવા લાગ્યા હતા.
દરમિયાન કંપનીની કાંદિવલીની ઓફિસ બંધ થઇ ગઇ અને તે મલાડ શિફ્ટ કરવામાં આવી છે, એવું દંપતીને જાણવા મળ્યું હતું, પણ આરોપીઓ ત્યાં મળ્યાં નહોતાં.
પોતે છેતરાયે હોવાનું ધ્યાનમાં આવતાં તેમણે કાંદિવલી પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરીને તિવારીની ધરપકડ કરી હતી. (પીટીઆઇ)



