Loksabha Election: ચૂંટણી પંચની ટીમ બે દિવસ માટે આવશે મુંબઈ, કરશે આ કામ
મુંબઈઃ આગામી લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો રણશિંગુ ફૂંકી રહ્યા છે ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચે પણ તેની તૈયારીઓ ઝડપથી કરી રહી છે. સામાન્ય ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા શુક્રવારે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં રાજ્ય ચૂંટણી પંચની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ત્યાર બાદ ટૂંક સમયમાં દરેક રાજ્યમાં બેઠકો યોજવામાં આવશે. સૂત્રોએ માહિતી આપી હતી કે કેન્દ્રીય ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓની એક ટીમ ૧૬ અને ૧૭ જાન્યુઆરીએ મહારાષ્ટ્રમાં કામની સમીક્ષા કરવા માટે મુંબઈ આવશે.
આગામી લોકસભા ચૂંટણીના સંદર્ભમાં કેન્દ્રીય ચૂંટણી પંચે શુક્રવારે નવી દિલ્હીમાં એક વિશેષ સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં દરેક રાજ્યમાં ચૂંટણી પંચના કામની સમીક્ષા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મતદારોની ડ્રાફ્ટ યાદીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો અને મતદાન મથકોની વિગતો નક્કી કરી તેની તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ આ બેઠકમાં ચૂંટણીના દૃષ્ટિકોણથી અન્ય તમામ કામોની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠક બાદ કેન્દ્રીય ચૂંટણી પંચે દરેક રાજ્યના કામની સીધી સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે. તે મુજબ કેન્દ્રીય ચૂંટણી પંચ દરેક રાજ્યમાં એક ટીમ મોકલવાનું આયોજન કરી રહ્યું છે. આ ટીમમાં આયોગના ઉચ્ચ સ્તરીય અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ટીમ આવતા અઠવાડિયે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે.
શુક્રવારે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં રાજ્ય દ્વારા તૈયારીઓની વિગતો આપવામાં આવી હતી. આ સમયે એક રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ અહેવાલ મુજબ રાજ્યમાં ચૂંટણી પૂર્વેની કામગીરી ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થઈ જશે તેવો અંદાજ છે.