આમચી મુંબઈમહારાષ્ટ્ર

લોકસભાની ઠાકરે જૂથની રણનીતિ નાશિકમાં નક્કી થશે?

કાળારામ મંદિરમાં પૂજા પછી રાજ્ય કારોબારીની બેઠક: કેટલા પદાધિકારીઓ હાજર રહેશે તેના પર નજર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજરી આપવાના નથી, પરંતુ તેઓ નાશિકમાં આવેલા પ્રખ્યાત કાળા રામના મંદિરમાં રામ લલ્લાની પૂજા કરવાના છે. આ જાહેરાત તેમણે પહેલેથી જ કરી હતી, પરંતુ હવે એવું જાણવા મળ્યું છે કે રામ લલ્લાની પૂજા કર્યા બાદ તેઓ શિવસેના (યુબીટી) પક્ષની આગામી લોકસભાની ચૂંટણીની રણનીતિ ઘડી કાઢવાના છે.

શિવસેનાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોમવારે ઉદ્ધવ ઠાકરે કાળા રામની પૂજા કરશે અને પછી ગોદા આરતી પણ કરશે. તેઓ નાશિકની હોટલ રેડિસન બ્લ્યુમાં ઉતારો કરશે. મંગળવારે હોટલ ડેમોક્રેસીમાં શિવસેના રાજ્ય સ્તરીય પદાધિકારીઓ માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી માટેની રણનીતિ ઘડી કાઢવામાં આવે એવી શક્યતા છે. ઉદ્ધવ ઠાકરેની અનંત કાન્હેરે ગ્રાઉન્ડ પર થનારી જાહેરસભામાં લોકસભાની ચૂંટણીના પ્રચારનું રણશિંગુ ફૂંકવામાં આવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાજ્યવ્યાપી પદાધિકારીઓની બેઠકમાં અંદાજે 1,700 પદાધિકારીઓ હાજર રહેવાની શક્યતા છે. તેમની સાથે ઉદ્ધવ ઠાકરે લોકસભાની ચૂંટણીની રણનીતિ ઘડી કાઢશે. સંજય રાઉત બે દિવસ પહેલેથી જ ત્યાં પહોંચીને રણનીતિને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button