લોકસભા સંગ્રામઃ બારામતીની સીટ માટે પવાર પરિવારમાં ખેંચાખેંચી, શરદ પવાર રમશે ‘આ’ દાવ?
મુંબઈઃ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા પહેલા સત્તાધારી પાર્ટીઓ પોતપોતાના ઉમેદવારો જાહેર કરવાની કવાયત હાથ ધરી છે, જ્યારે વિપક્ષોએ પણ તૈયારીઓ શરુ કરી છે. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માં બળવા પછી હવે બારામતીની સીટ ચર્ચામાં છે. બારામતીની સીટ પર પહેલી વખત પવાર પરિવારની વચ્ચે રાજકીય સંઘર્ષ ઊભો થાય તો નવાઈ નહીં. શરદ પવારની પુત્રી સુપ્રિયા સુળેને જીત અપાવવા માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના પ્રમુખ શરદ પવાર મોટો દાવ રમી શકે છે.
શરદ પવારનો માસ્ટરસ્ટ્રોક જો સાચો પડ્યો તો મહાયુતિ ગઠબંધનના ઉમેદવારને પરાસ્ત થવાની નોબત આવી શકે છે. ભત્રીજા અજિત પવારના બળવા પછી ફરી એક વખત બારામતીમાં પોતાનો ઉમેદવાર ઉતારવાની જાહેરાત કર્યા પછી શરદ પવારે ગેમ રમતા રાષ્ટ્રીય સમાજ પક્ષ (આરએસપીએસ)વતીથી દોસ્તીનો હાથ લંબાવ્યો છે.
રાષ્ટ્રીય સમાજપક્ષના પ્રમુખ મહાદેવ જગન્નાથ જાનકર જો શરદ પવાર સાથે જશે તો સુપ્રિયા સુળેની જીત નક્કી છે. શરદ પવારે આરએસપીએસના પ્રમુખ અને પૂર્વ પ્રધાન મહાદેવ જાનકારને માઢા લોકસભાની બેઠક આપવાની ઓફર આપી છે.
શરદ પવારનું એમજે ફેક્ટર જો કામ કરશે તો બારામતીનો ગઢ સેફ કરી શકશે. રાષ્ટ્રીય સમાજ પાર્ટીએ અગાઉથી ચૂંટણીમાં બારામતીની બેઠકમાં વધુ મત મળ્યા હતા. એટલું જ નહીં, રાષ્ટ્રીય સમાજ પાર્ટીના ઉમેદવારે 2014ની ચૂંટણીમાં જોરદાર ટક્કર આપી હતી.
જો શરદ પવારની દીકરી સુપ્રિયા સુળેની હાર થાય તો શરદ પવાર જૂથને ફટકો પડશે. રાષ્ટ્રીય સમાજ પાર્ટી પર ધનગર કમ્યુનિટીનો જોરદાર પ્રભાવ છે. જો આરએસપી પ્રમુખ શરદ પવાર સાથે આવે તો સુપ્રિયા સુળેની સીટ સુરક્ષિત રહી શકશે. ઉલ્લેખનીય છે કે 2014ની ચૂંટણીમાં સુપ્રિયા સુળે 5.21 લાખ મતથી વિજયી નિવડ્યા હતા, જ્યારે મહાદેવ જાનકરને 4.51 લાક મત મળ્યા હતા. 2014ની ચૂંટણીમાં આ સીટ પર ભાજપે રાષ્ટ્રીય સમાજ પાર્ટીને સપોર્ટ કર્યો હતો.