લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં સાંગલીની સીટ પર ‘એમવીએ’માં સંકટ ઊભું થશે?

મુંબઈ: લોકસભાની ચૂંટણીને લઈ મહારાષ્ટ્રમાં સત્તાધારી પાર્ટી સાથે મહાવિકાસ આઘાડીમાં પણ ખેંચાખેંચી છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે ગ્રુપ-યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટતા કરી છે કે મહાવિકાસ આઘાડી (એમવીએ)માં સીટ વહેંચણી મુદ્દે હવે કોઈ વાતચીત કરવામાં આવશે. સાંગલીની સીટ પર એમની પાર્ટી છે અને ચંદ્રહાર પાટીલને પણ ઉમેદવાર જાહેર કર્યા છે, પરંતુ કોંગ્રેસ સાંગલીની સીટ પર કોઈ સમજૂતી કરવા તૈયાર નથી. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન વસંતદાદાના પાટીલના પૌત્ર વિશાલ પાટીલ સાંગલીથી કોંગ્રેસના ઉમેદવાર છે, જેમના પરિવારે વર્ષો સુધી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.
મહારાષ્ટ્રના સાંગલીની બેઠક એ કૉંગ્રેસનો ગઢ માનવામાં આવે છે અને છેલ્લા 60 વર્ષથી આ બેઠક કૉંગ્રેસ જીતતી આવે છે, પરંતુ આ વખતે મહાવિકાસ આઘાડીમાં કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેના ઉમેદવાર વચ્ચે આરપારની લડાઈ રહેશે.
2014માં કૉંગ્રેસની આ વિજયી દોડ પૂરી થઇ હતી. 2014 અને 2019માં ભાજપે આ બેઠક ઉપર જીત હાંસલ કરી હતી. સંજય કાકા પાટીલ જે 2014માં ભાજપમાં સામેલ થયા હતા તે અહીંથી બે વખત સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા હતા. 2014 અને 2019ની ચૂંટણીમાં તેમણે આ બેઠક ઉપર વિજય મેળવ્યો હતો. સંજય કાકા પાટીલ ભાજપમાં જોડાતા પહેલા એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી) પક્ષમાં હતા.
આ પણ વાંચો : લોકસભા ચૂંટણીઃ થાણે-કલ્યાણની બેઠક પર ભાજપની શિંદે જૂથને નવી ઓફર?
હવે મહાવિકાસ આઘાડી (એમવીએ)માં આ બેઠકને લઇને ખેંચતાણ ચાલી રહી છે. કૉંગ્રેસે આ બેઠક ઉપર 60 વર્ષ સુધી રાજ કર્યું અને ત્યાર બાદ ભાજપ બે વખતથી આ બેઠક જીતી રહી છે, ત્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ આ બેઠક ઉપર ડોળો નાંખ્યો છે.
આ બેઠક ઉપર હવે મહાવિકાસ આઘાડીમાં કોઇપણ ચર્ચા નહીં થાય તેવું ઉદ્ધવ ઠાકરેની શિવસેના દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આ બેઠક ઉપર શિવસેનાએ પોતાનો ઉમેદવાર પણ જાહેર કરી દીધો છે. શિવસેનાએ ચંદ્રહાર પાટીલને આ બેઠક ઉપરથી ઉમેદવાર જાહેર કર્યા છે. જોકે, કૉંગ્રેસ પણ આ બેઠકના મામલે બાંધછોડ કરવા માગતી નથી.
આ પણ વાંચો : ટિકિટ ન મળતા ભાજપના આ સાંસદ નારાજ, ઠાકરે જૂથમાં સામેલ થવાની ચર્ચા
કૉંગ્રેસે આ બેઠક ઉપરથી વસંતદાદા પાટીલના પૌત્ર વિશાલ પાટીલને ઉમેદવાર બનાવ્યો છે. વસંતદાદા પાટીલના કુટુંબે વર્ષોથી આ બેઠક ઉપર પોતાનું વર્ચસ્વ જમાવેલું રાખેલું છે. હવે ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને કૉંગ્રેસ આ બંનેએ આ બેઠક ઉપરથી પોતાનો ઉમેદવાર જાહેર કર્યો છે ત્યારે મહાવિકાસ આઘાડીમાં આ બેઠકના મામલે તિરાડ વધે તેવી શક્યતા સેવાઇ રહી છે.
કોલ્હાપુરની સીટને કારણે મુખ્ય સમસ્યા ઊભી થઈ હતી. શિવસેનાના નેતાએ કહ્યું હતું કે અમે આ સીટના સાચા હકદાર છીએ અને 2019માં લોકસભા ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ઠાકરેની પાર્ટીનું કહેવું છે કે મુંબઈ અને કોંકણ ક્ષેત્રની આસપાસના વિસ્તારોમાં તેમની પાર્ટીને જનસમર્થન છે, જ્યારે કોંગ્રેસે કહ્યું હતું કે વિદર્ભમાં તેમની પાર્ટી વધુ મજબૂત છે, તેથી ત્યાંની સીટ મળવી જોઈએ. અમરાવતી અને રામટેકની સીટ જ્યાં 2019માં શિવસેના લડી હતી, જે કોંગ્રેસને આપી છે.