લોકસભા ચૂંટણીઃ ભાજપની પહેલી યાદીમાં ગડકરીનું નામ કેમ નહીં, ઠાકરેનો સવાલ?
![Lok Sabha Elections: Why Gadkari's name is not in the first list of BJP, Thackeray's question?](/wp-content/uploads/2024/03/yogesh-23.jpg)
મુંબઈ: ભાજપે લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024) માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી હતો, જેમાં મહારાષ્ટ્રની એક પણ બેઠક ઉપર ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. એની તક ઝડપીને લઈને શિવસેના ઉદ્ધવ ઠાકરેએ ભાજપ ઉપર નિશાન સાધતા પહેલી યાદીમાં નીતિન ગડકરીનું નામ શા માટે નથી એવો પ્રશ્ન કર્યો છે.
ઉદ્ધવ ઠાકરેએ નીતિન ગડકરીનું નામ પહેલી યાદીમાં સામેલ કરવામાં ન આવ્યું હોવાનો મુદ્દો ઉઠાવતા ઉદ્ધવે કહ્યું હતું કે ભાજપે 115 ઉમેદવારોની યાદી જાહેર કરી.મને એક વાતનું આશ્ચર્ય થાય છે કે હું નીતિન ગડકરીનું નામ ત્યારથી સાંભળુ છું જ્યારે મેં નરેન્દ્ર મોદી કે અમિત શાહનું નામ પણ સાંભળ્યું નહોતું. તેમણે બાળાસાહેબ ઠાકરેનું મુંબઈ-પુણે એક્સપ્રેસ-વેનું સપનું પુરું કર્યું છે. તેમનું નામ પહેલી યાદીમાં નથી, પરંતુ કૃપાશંકર સિંહનું નામ પહેલી યાદીમાં છે.
ઉદ્ધવે ઇવીએમ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન)માં ગોટાળાના મુદ્દે સવાલ કર્યો હતો અને કહ્યું હતું કે જો ભાજપ ઇવીએમમાં ગોટાળા કરીને ફરીથી સત્તામાં આવે તો તેમાં આશ્ચર્ય થશે નહીં, તેનાથી ફક્ત લોકોમાં અસંતોષ નિર્માણ થશે.
શનિવારે ભાજપે લોકસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી અને તેમાં મહારાષ્ટ્રના કોઇ પણ ઉમેદવારોના નામ નહોતા. જેને પગલે મહારાષ્ટ્રમાં મહાયુતિમાં બેઠકોની વહેંચણી હજી સુધી નક્કી ન થઇ હોવાની વાત પણ ચાલું છે. મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠક છે અને તેના ઉપર મહાયુતિના ત્રણ મુખ્ય પક્ષો શિંદે જૂથની શિવસેના, અજિત પવાર જૂથની એનસીપી અને ભાજપ આ ત્રણેય કોને ઉમેદવાર તરીકે ઊભા રાખે છે તેના ઉપર બધાની નજર મંડાયેલી છે.