લોકસભા ચૂંટણીઃ સંજય દત્તની રાજકારણમાં એન્ટ્રી થશે, ‘બાબા’એ આપ્યો આ જવાબ

મુંબઈ: લોકસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ અનેક સેલિબ્રિટિઝ અને એક્ટર્સને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જોકે અનેક સેલિબ્રિટિઝે રાજકીય પક્ષોની ઓફરને ફગાવી પણ છે. તાજેતરમાં અભિનેતા સંજય દત્તે રાજકારણમાં સામેલ થવા બાબતે વાત કરી હતી. સંજય દત્ત લોકસભા ચૂંટણીમાં સામેલ થઈ શકે છે, એવી ચર્ચા અનેક સમયથી શરૂ હતી, પણ હવે સંજય દત્તે પોતે જ આ બાબતે માહિતી આપી હતી.
રાજકારણમાં દત્ત પરિવારનું વિશેષ યોગદાન છે. દિવંગત અભિનેતા સુનીલ દત્તનું કોંગ્રેસ સાથેનું વિશેષ કનેક્શન હતું, જ્યારે દીકરી પ્રિયા દત્તે પણ એક જમાનામાં રાજકારણમાં સક્રિય રહ્યા હતા ત્યારે હવે દીકરા ઉર્ફે બાબા સંજય દત્ત માટે પણ રાજકારણમાં એન્ટ્રી અંગે તર્ક-વિતર્ક કરવામાં આવી રહ્યા છે.
આ અંગે સંજુ બાબાએ કહ્યું હતું કે હું રાજકારણમાં સામેલ થવાનો છું એવી અફવા છે. હાલમાં હું કોઈપણ રાજકીય પાર્ટીમાં સામેલ થવાનો નથી કે ચૂંટણીમાં પણ ઉતરવાનો નથી. જો મને રાજકારણમાં પ્રવેશ કરવો હશે તો તે બાબતે હું સૌથી પહેલા જાહેરાત કરીશ. હાલમાં આ બધી વાતો પર વિશ્વાસ નહીં કરો, એવી સંજય દત્તે લોકોને અપીલ કરી હતી.
સંજય દત્તનો પરિવાર પહેલાથી જ રાજકારણમાં સામેલ છે. સંજય દત્તની બહેન પ્રિયા દત્ત, પિતા સુનિલ દત્ત અને માતા નરગિસ દત્ત પણ રાજકારણથી અનેક રીતે જોડાયા હતા. સંજય દત્તની બહેન પ્રિય દત્ત એક સામાજિક કાર્યકર્તા પણ છે. જોકે સંજય દત્તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તે રાજકારણમાં નથી જોડાવવાના એવી સત્તાવાર જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ભારતીય જનતા પાર્ટીએ અભિનેત્રી કંગના રનૌતને હિમાચલના મંડીથી ઉમેદવાર તરીકે જાહેર કરી હતી અને એકનાથ શિંદે જૂથમાં પણ અભિનેતા ગોવિંદા સામેલ થયા હતા.