લોકસભા ચૂંટણી 2024: ઉમેદવારી મળવા પહેલાં જ છગન ભૂજબળની સમસ્યા વધી
મહારાષ્ટ્ર સદન કૌભાંડ પ્રકરણે સોમવારે સુનાવણી
મુંબઈ: લોકસભાની ચૂંટણીનો જંગ અત્યારે રંગ પકડી રહ્યો છે અને નાશિકની લોકસભા બેઠકના ઉમેદવાર અંગે રાજ્યની સત્તાધારી મહાયુતિ સરકારમાં રહેલી મડાગાંઠ રવિવારે ઉકેલાઈ અને સોમવારે છગન ભુજબળને નાશિકની બેઠકની ઉમેદવારી જાહેર થવાની શક્યતા નિર્માણ થઈ ત્યારે જ બરાબર મહારાષ્ટ્ર સદન કૌભાંડનું ભૂત ફરી સળવળ્યું છે અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચુડે આપેલા નિર્દેશને પગલે કેસની સુનાવણી સોમવારે કરવાનો નિર્ણય લીધો હોવાથી હવે છગન ભુજબળ માટે સમસ્યામાં વધારો થયો છે.
મહારાષ્ટ્રના સૌથી વિવાદાસ્પદ મહારાષ્ટ્ર સદન કૌભાંડમાં 9 સપ્ટેમ્બરે છગન ભુજબળને નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા હતા. એસીબી કોર્ટમાં દોષમુક્તિ માટે ભુજબળે કરેલી અરજીને પગલે કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. તેમની મુક્તિ સામે અંજલી દમાણિયાએ મુંબઈ હાઈ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.
રવિવારે દમાણિયાએ એક્સ પર એક પોસ્ટ કરીને લક્યું હતું કે મહારાષ્ટ્ર સદન કૌભાંડમાં છગન ભુજબળને નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા હતા. તેમના ડિસ્ચાર્જને પડકારતી મારી પિટિશનની સુનાવણી મુંબઈ હાઈ કોર્ટમાં થતી નહોતી. પાંચ ન્યાયમૂર્તિઓએ આ કેસની સુનાવણી પોતાની કોર્ટમાં ચલાવવા નનૈયો ભણ્યો હતો. જેને પગલે સુપ્રીમ કોર્ટમાં એસએલપી કરીને આદેશ મેળવ્યા બાદ હવે આ કેસની સુનાવણી મુંબઈ હાઈકોર્ટમાં 12 નંબરની કોર્ટમાં જસ્ટિસ મોડકની કોર્ટમાં કરવામાં આવશે.
પહેલી એપ્રિલના રોજ ન્યાયમૂર્તિ મોડકની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠ સમક્ષ આ પ્રકરણની સુનાવણી થવાની છે. આ સુનાવણીમાં છગન ભુજબળને મળેલી ક્લિન ચીટ કાયમ રહે છે કે નહીં તે જોવાનું રહેશે.