લોકસભા ચૂંટણીઃ અમરાવતીમાંથી નવનીત રાણાએ ભર્યું ઉમેદવારીપત્ર

મુંબઈ: લોકસભાની ચૂંટણી માટે ઉમદાવારી નોંધાવવાની પ્રક્રિયા ચાલી રહી છે એ દરમિયાન અમરાવતીમાં હાલમાં જ ભાજપમાં જોડાયેલા નવનીત રાણાએ ઉમેદવારીપત્ર ભરીને પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
નવનીત રાણા હાલ અમરાવતીના સાંસદ છે અને તે અપક્ષ ચૂંટાઇ આવ્યા હતા. જોકે, હાલમાં જ તેમણે ભાજપમાં પ્રવેશ કર્યો હતો અને અમરાવતીમાં તે મહાયુતિ તરફથી ચૂંટણી લડશે.
જ્યારે બીજી બાજુ અકોલામાં મહાવિકાસ આઘાડીથી છૂટા પડી એકલહથ્થે ચૂંટણી લડવાનો નિર્ણય લેનારા વંચિત બહુજન આઘાડીના પ્રમુખ પ્રકાશ આંબેડકરને પણ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. બેઠકોની વહેંચણી બાબતે મહાવિકાસ આઘાડી (એમવીએ)માં ભંગાણ પડતા અને પોતાને મનગમતી તેમ જ પૂરતી બેઠકો નહીં મળતા વંચિત બહુજન આઘાડીએ મહાવિકાસ આઘાડીમાંથી છૂટા પડવાનો નિર્ણય લીધો હતો.
પ્રકાશ આંબેડકર વંચિત બહુજન આઘાડીના પ્રમુખ હોવાના કારણે તેમના માટે અકોલાની બેઠક ઉપર જીત હાંસલ કરવી અત્યંત જરૂરી છે. કારણ કે જો પક્ષ પ્રમુખ પોતાની બેઠક હારી જાય તો પક્ષનું અસ્તિત્વ પણ જોખમમાં મૂકાઇ શકે તેવી શક્યતા હોવાનું રાજકીય વિશ્ર્લેષકોનું માનવું છે. એટલે કે ગુરુવારના દિવસે અમરાવતી અને અકોલા આ બે બેઠકો ઉપરથી બે મહત્ત્વના ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્ર ભરીને સત્તાવાર રીતે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.