લોકસભા ચૂંટણીઃ ખાનગી કંપની માટે ચૂંટણી પંચનો આ આદેશ જાણી લો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણીની તારીખ નજીકમાં છે, જેમાં મહારાષ્ટ્રમાં પહેલા તબક્કાનું મતદાન 19મી એપ્રિલના યોજવામાં આવશે. પહેલા તબક્કામાં 19 એપ્રિલથી 20મી મે સુધીના પાંચ તબક્કામાં ચૂંટણી થશે મહારાષ્ટ્રમાં મતદાન માટે સરકારી સંસ્થાનો દ્વારા રજા અથવા તો મતદાન કરી શકાય તેટલા સમયની છૂટ આપવામાં આવે છે અને આ જ નિયમ પ્રાઇવેટ કંપનીઓ માટે પણ લાગુ કરવામાં આવ્યો છે.
ખાનગી કંપનીઓ દ્વારા મતદાનના દિવસે કર્મચારીઓને રજા આપવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. કર્મચારીને મતદાન માટે છૂટ ન આપનારી પ્રાઇવેટ કંપનીઓ પર કાર્યવાહી કરવામાં આવશે, તેમ ચૂંટણી પંચ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
ઔદ્યોગિક એકમો, મહામંડળ, કંપનીઓ તેમ જ સંસ્થા દ્વારા મતદાનના દિવસે કર્મચારીને ભર પગારે રજા કે પછી મતદાન કરવા માટેની છૂટ ન આપવામાં આવે તો સંબંધિત સંસ્થા કે એકમ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
20 મેના રોજ મુંબઈમાં મતદાન યોજાવાનું છે અને એ દિવસે પ્રાઇવેટ કંપનીઓએ કર્મચારીઓને ભર પગાર રજા આપવાની રહેશે. જો આખા દિવસની રજા ન આપી શકાય તો ઓછામાં ઓછા બે કલાકની છૂટ આપીને કર્મચારીને મતદાન કરવા દેવાની સૂચના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવી છે. જોકે, જે કોઈ કંપની આ સૂચનાનું પાલન ન કરે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લધિકારી તેમ જ જિલ્લા ચૂંટણી અધિકારી રાજેન્દ્ર ક્ષીરસાગરે આપી હતી. આ અંગેનો પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે.