લોકસભા ચૂંટણીઃ નાશિકની સીટનું કોકડું ઉકેલાયું, વિધિવત જાહેરાત થઈ શકે
નાશિક: લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે મહારાષ્ટ્રમાં મહાગઠબંધન અને મહાવિકાસ આઘાડીના પક્ષો વચ્ચે આંતરિક વિગ્રહ હજુ પણ ચાલુ છે. મહાયુતિમાં અમુક બેઠકના મુદ્દે હજી પણ ખેંચાખેંચી ચાલી રહી છે ત્યારે નાશિકની બેઠક ઉપરથી કોણ લડશે તે નક્કી થઇ ગયું હોવાના અહેવાલ મળ્યા છે. ધારાશિવ અને નાશિકની બેઠક મુદ્દે મહાયુતિમાં સંમતિ સધાઇ હોવાનું જાણવા મળ્યું છે. નાશિકની બેઠક ઉપર શિંદે જૂથની શિવસેના અને અજિત પવારની એનસીપી આ બંનેનો ડોળો હતો અને બંને પક્ષ આ બેઠક મેળવવા માગતા હતા.
જોકે આખરે આ બેઠક અજિત પવાર જૂથના ફાળે ગઇ હોવાના સમાચાર છે. એનસીપી આજે આ બેઠક ઉપરથી પોતાનો ઉમેદવાર જાહેર કરશે, તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે. નાશિક બેઠક ઉપરથી છગન ભુજબળને ઉમેદવારી આપવામાં આવે તેવી શક્યતા છે, જ્યારે ધારાશિવના ભાજપના વિધાનસભ્ય રાણા જગજીત સિંહ પણ અજિત પવારના દેવગિરી બંગલા ખાતે તેમની મુલાકાતે ગયા હતા, ત્યાર બાદ ધારાશિવ બેઠક અંગે પણ નિર્ણય લેવાયો હોવાની માહિતી મળી છે.
છગન ભુજબળે આ મુદ્દે જણાવ્યું હતું કે મારી ઉમેદવારીનો નિર્ણય સીધો દિલ્હીથી લેવાયો છે. મને પણ દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય નેતાઓએ અચાનક આ નિર્ણય જણાવ્યો. મને આ નિર્ણય અંગે કોઇ કલ્પના નહોતી. મને મહાયુતિમાં જે જવાબદારી આપવામાં આવી છે તે હું પૂરી કરીશ, એમ ભુજબળે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે નાશિક બેઠકને લઇને મહાયુતિમાં રસ્સીખેંચ ચાલી રહી હતી અને એનસીપી, શિવસેના અને ભાજપ ત્રણેય પક્ષ આ બેઠક પોતાના ફાળે આવે એ માટે પ્રયત્ન કરી રહ્યા હતા. જોકે, ભુજબળે પોતાને ઉમેદવારી આપી હોવાનું નિવેદન આપ્યું છે અને શિવસેનાના હાલના નાશિકના સાંસદ હેમંત ગોડસેએ તો પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે. શિંદેની શિવસેના દ્વારા આ બેઠક તેમના ફાળે જ આવશે, તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.
શિવસેનાના પ્રવક્તા સંજય શિરસાટે જણાવ્યું હતું કે કોઇપણ સિગ્ન્લ આપવામાં નથી આવી રહી અને કેન્દ્ર કોઇને પણ સિગ્નલ આપતું નથી. પક્ષના નેતાઓ દ્વારા જ વાત કરવામાં આવી રહી છે. નાશિકની બેઠક શિવસેનાની છે અને ત્યાં બે વખત શિવસેનાના સાંસદ ચૂંટાઇ આવ્યા છે. એટલે આ બેઠક છોડવામાં ન આવે તેવો અમારો આગ્રહ હતો, તેમ શિરસાટે જણાવ્યું હતું.