લોકસભા ચૂંટણીઃ ‘વર્ષા’ બંગલોમાં રાજકીય બેઠકોને પગલે ઈલેક્શન કમિશનની લાલ આંખ
મુંબઈ: લોકસભા ચૂંટણી (Loksabha Election 2024)ની જાહેરાત પછી આદર્શ આચારસંહિતા લાગુ પડ્યા પછી ગઈકાલે કોંગ્રેસના નેતાઓએ પીએમ મોદીની ટિપ્પણી મુદ્દે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે ત્યારે મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની રાજકીય બેઠક મુદ્દે સ્વયં ચૂંટણી પંચે ગંભીર નોંધ લીદી હોવાના સમાચાર છે.
ચૂંટણીની જાહેરાત થયા બાદ આચારસંહિતા લાગુ થઇ ગઇ છે અને આચારસંહિતા લાગુ થયા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ પર થઇ રહેલી રાજકીય બેઠકની ચૂંટણી પંચ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે.
આ મામલે ચૂંટણી પંચે મુખ્ય પ્રધાનના ખાનગી સચિવ અને વિશેષ કાર્યાધિકારીને નોટિસ મોકલાવી છે. આ અંગેની માહિતી મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી એસ.ચોકલિંગમે આપી હતી.
ઉલ્લેખનીય છે કે શિંદેની હાજરીમાં શનિવારે સલાહ સમિતીની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં શિંદે જૂથની સમિતિના વિધાનસભ્યો, નેતાઓ અને પ્રધાનો હાજર હતા. આ બેઠક ઉપર વાંધો ઉઠાવતા કૉંગ્રેસના નેતા સચિન સાવંતે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. જેની નોંધ લઇને ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે.