લોકસભા ચૂંટણીઃ મતદારોને જાગૃત કરવા મહારાષ્ટ્રના શિક્ષકે કરી નવતર પહેલ

મુંબઈ: દેશમાં લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024)નો માહોલ છે. ચૂંટણી પંચ દ્વારા લોકોને મતદાન માટે જાગૃત કરવા માટે અનેક યોજનાઓ અને કેમ્પેન શરૂ કરવામાં આવ્યા છે. જોકે મહારાષ્ટ્રમાં એક શિક્ષકે લોકોને મતદાન કરવા માટે અનોખી પહેલ કરી છે. શિક્ષક પરમાનંદ તિરાણિકે એક પોસ્ટ કાર્ડને લગ્ન પત્રિકાની જેમ સજાવીને ‘લોકશાહીનો શુભ વિવાહ’ એવું લખીને મતદાતાઓને મતદાન કરવાની અપીલ કરી છે.
મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના વરોરા શહેરમાં રહેતા શિક્ષક પરમાનંદ તિરાણિકે મતદાન માટે જાગરુકતા ફેલાવવા માટે એક અનોખુ કાર્ડ બાણાયું છે. આ પોસ્ટ કાર્ડને તિરાણિકે એક લગ્નની પત્રીકા જેમ બનાવ્યું હતું. આ રંગ-બેરંગી કાર્ડને હાથેથી લખીને બનાવવામાં આવ્યું હતું. આ કાર્ડમાં વરરાજાના નામ પર ચી. મતદાતા અને દુલ્હનના નામની જગ્યાએ ચી. લોકશાહી (ભારતીય બંધારણના વરિષ્ઠ સુકન્યા) એવું લખવામાં આવ્યું છે.

આ કાર્ડમાં મતદાતાઓ અને લોકશાહી ના જાણે લગ્ન થઈ રહ્યા છે એવી રીતે જણાવવામાં આવ્યું છે. આ કાર્ડથી તેમણે 18 વર્ષની વધુની ઉંમરના યુવાનોને મતદાન કરવાની અપીલ કરી છે. આ કાર્ડને જુદા જુદા રંગથી બનાવવામાં આવ્યું છે જેથી તે એકદમ આકર્ષિત દેખાઈ રહ્યું છે.

કાર્ડમાં લખવામાં આવ્યું છે કે ‘પ્રિય મમ્મી અને પપ્પા, મારા ઉજ્જવળ ભવિષ્ય માટે મતદાન કરો.’ તો પોસ્ટકાર્ડની પાછળની બાજુએ મતદાન સમયે તમારી ઓળખ આપતા કાર્ડની માહિતી આપવામાં આવી છે જેમ કે પેન કાર્ડ અને આધાર કાર્ડ વગેરે. આ અનોખા લગ્ન કાર્ડ સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યું છે. લોકો આ કાર્ડ બનાવનાર શિક્ષકની પ્રશંસા પણ કરી રહ્યા છે.