લોકસભા ચૂંટણી 2024: બારામતીમાં ત્રિકોણનો ચોથો ખૂણો!!
મહારાષ્ટ્રનો પ્રતિષ્ઠાનો જંગ બની રહેલી આ બેઠક પર અજિત પવાર માટે કપરાં ચડાણ: સુપ્રિયા સુળે, સુનેત્રા પવાર અને વિજય શિવતારેના ત્રિકોણમાં ચોથો ખૂણો કોણ?
મુંબઈ: લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા પછી દેશની કેટલીક બેઠકો પર પ્રતિષ્ઠાનો જંગ થઈ રહ્યો છે અને મહારાષ્ટ્રમાં આવી બેઠક છે, બારામતીની. ગીતામાં એક વાક્ય લખેલું છે કે ‘કરેલું કર્મ પાછું ફરે છે.’ અત્યારે અજિત પવારની હાલત આવી જ થઈ રહી છે. વાસ્તવમાં મહાયુતિનો હિસ્સો બન્યા બાદ અજિત પવાર માટે બારામતીનો જંગ જીતવો પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે તેમ જ ભાવિ રાજકારણની દિશા નક્કી કરવા માટે અત્યંત મહત્ત્વનો છે. જોકે હવે તેમને માટે આ બેઠક પર કપરાં ચડાણ હોવાનું જણાઈ રહ્યું છે.
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા ત્યારે જ અજિત પવાર સામે એવી શરત મૂકવામાં આવી હતી કે તેમણે બારામતીના ગઢ પર વિજય મેળવવો પડશે. વાસ્તવમાં ભાજપની પદ્ધતિ રહી છે કે મુખ્ય વિરોધીઓને તેમની જ બેઠક પરથી હરાવીને હતોત્સાહ કરી નાખવા. રાહુલને અમેઠીથી હરાવવા માટે પૂરી તાકાત એટલે જ લગાવવામાં આવી હતી.
આવી જ રીતે 2019માં બારામતીનો ગઢ જીતવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી. ત્યારબાદ બારામતીનો ગઢ જીતવા માટેની જવાબદારી ખુદ નિર્મલા સીતારામનને સોંપવામાં આવી હતી અને ત્રણ વર્ષ સુધી આ બેઠક પર પ્રયાસ કર્યા બાદ જ્યારે એવું લાગ્યું કે આ બેઠક જીતી શકાય એમ નથી ત્યારે અજિત પવારની મહાયુતિમાં એન્ટ્રી થઈ અને તેમને આ જવાબદારી સોંપવામાં આવી હતી.
આપણ વાંચો: લોકસભા સંગ્રામઃ ‘બારામતી’ની બેઠકના કોણ બનશે ‘બાદશાહ’?, શિંદે જૂથના નેતાનો નવો દાવો
બારામતીમાં પવાર પરિવારનો જે દબદબો છે તેને જોતાં અજિત પવારે સુપ્રિયા સુળે સામે અન્ય કોઈ ઉમેદવારને ઉતારવાને બદલે પોતાની પત્ની સુનેત્રા પવારને જ મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું હતું. નણંદ ભોજાઈ વચ્ચેની લડાઈ કેટલી રંગીન થશે એની કલ્પનાઓ રંગાઈ રહી હતી ત્યાં 2019માં પુરંદરની બેઠક પરથી ટાર્ગેટ બનાવીને હરાવવામાં આવેલા વિજય શિવતારે અચાનક ઊભા થઈ ગયા. અત્યારે શિંદે સેનામાં રહેલા વિજય શિવતારેને દબાવવાનો પ્રયાસ ચાલી રહ્યો હતો, પરંતુ હોળીને દિવસે ઈંદાપુરમાં તેમણે આગ ચાંપતા કહ્યું હતું કે મારે પાર્ટીમાંથી રાજીનામું આપવું પડશે તો પણ સુનેત્રા પવાર સામે હું લડીશ જ. 12 એપ્રિલે બપોરે 12.00 વાગ્યે ઉમેદવારીપત્રક ભરવાની જાહેરાત પણ તેમણે કરી નાખી હતી. આમ બારામતીમાં ત્રિકોણ રચાઈ રહ્યું હોવાનું દેખાઈ રહ્યું હતું.
આ ત્રિકોણમાં હવે ચોથો ખૂણો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં સોમવારે વિજય શિવતારેએ કેટલાક પત્રકારો સમક્ષ એમ કહ્યું હતું કે અજિત પવાર સામે લડવા માટે હું ચૂંટણી ‘કમળ’ના નિશાન પર પણ લડવા તૈયાર છું. વાસ્તવમાં કમળનું ચિહ્ન ભાજપનું છે એટલે તેમના આ નિવેદનથી રાજકીય નિરીક્ષકોનાં ભવાં ઊંચકાયા છે. ભાજપ મહાયુતીનો મુખ્ય પક્ષ છે.
આપણ વાંચો: શરદ પવારે પ્રથમ ઉમેદવારનું નામ જાહેર કર્યું, સુપ્રિયા સુળે બારામતીથી જ લડશે ચૂંટણી
જો સુનેત્રા પવાર સામે ચૂંટણી લડવાને કારણે શિવતારેને શિંદે સેનાથી છેડો ફાડવાની સ્થિતિ સર્જાઈ શકે છે તો ભાજપના ચિહ્ન પર તેઓ કેવી રીતે લડી શકે એવો સવાલ અત્યારે પુછાઈ રહ્યો છે.
અહીં ભાજપના એક નેતા હર્ષવર્ધન પાટીલની એન્ટ્રી થાય છે. અજિત પવારના કાર્યકર્તાઓ દ્વારા ઈંદાપુરના ભાજપના નેતા હર્ષવર્ધન પાટીલને જાનથી મારવાની ધમકી જાહેર કાર્યક્રમમાં આપવામાં આવી હતી. તેમનો પણ અજિત પવાર સાથે લાંબા સમયથી સંઘર્ષ છે.
હર્ષવર્ધન પાટીલને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે સારા સંબંધો છે અને તેથી જ જ્યારે તેમને અજિત પવાર સાથે સંધી કરી લેવા માટે મુંબઈ બોલાવવામાં આવ્યા ત્યારે તેઓ આવ્યા હતા અને ફડણવીસની હાજરીમાં અજિત પવાર સાથે સમજૂતીની બેઠક થઈ હતી. અહીં ઉલ્લેખનીય છે કે વિજય શિવતારે ઉર્ફે બાપુએ ચૂંટણી લડવાનું એલાન હર્ષવર્ધન પાટીલના ગઢ ઈંદાપુરમાં જ કર્યું છે. હવે આ કોકડું ઉકેલવા માટે મોવડીમંડળ શું રસ્તો કાઢે છે તે જોવાનું રહેશે.