લોકસભા ચૂંટણી 2024: કૉંગ્રેસ નેતા સંજય નિરૂપમ સામે શિસ્તભંગના પગલાં લેવાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પાર્ટીના નેતૃત્વ અને સાથી પક્ષ શિવસેના (યુબીટી) સાથેની બેઠકોની વહેંચણી અંગે કરવામાં આવેલી ટિપ્પણી બદલ મહારાષ્ટ્ર કૉંગ્રેસે પાર્ટીના નેતા સંજય નિરૂપમ સામે શિસ્ત ભંગના પગલાં લેવાની પ્રક્રિયાનો પ્રારંભ કર્યો છે.
કૉંગ્રેસે સંજય નિરૂપમનું નામ રાજ્યના સ્ટાર કેમ્પેનરની યાદીમાંથી પડતું મુક્યું છે એવી માહિતી મહારાષ્ટ્ર કૉંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ મુંબઈમાં પાર્ટીની કેમ્પેન કમિટીની બેઠકમાં હાજરી આપ્યા બાદ કહ્યું હતું.
પાર્ટીએ સંજય નિરૂપમનું નામ સ્ટાર કેમ્પેનરની યાદીમાંથી પડતું મૂક્યું છે. તેમની સામે શિસ્ત ભંગની કાર્યવાહીની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે. તેમણે પાર્ટી અને રાજ્યના કૉંગ્રેસ નેતૃત્વ અંગે કેટલીક ટિપ્પણીઓ કરી હતી તે સંબંધે આ કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. એક-બે દિવસમાં નિર્ણય લેવામાં આવશે, એમ નાના પટોલેએ મુંબઈમાં કહ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે શિવસેના (યુબીટી) દ્વારા વાયવ્ય મુંબઈ બેઠક પર ઉમેદવારની જાહેરાત કર્યા બાદ મુંબઈના ભૂતપૂર્વ સંસદસભ્ય સંજય નિરૂપમે કૉંગ્રેસના પ્રદેશ નેતૃત્વની આકરી ટીકા કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે સંજય નિરૂપમ વાયવ્ય મુંબઈની બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા. શિવસેનાએ મુંબઈની છમાંથી ચાર બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કરી નાખ્યા હતા. તેના પર નિરૂપમે નારાજી વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું હતું કે શિવસેના (યુબીટી) દ્વારા દબાઈ જવાની આવશ્યકતા નહોતી. તેમણે એમ પણ કહ્યું હતું કે શિવસેના (યુબીટી)નો એકપક્ષી રીતે ઉમેદવારો જાહેર કરવાનો નિર્ણય અંતે કૉંગ્રેસના વિનાશનું કારણ બનશે.
બીજી તરફ મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણીમાં રહેલા વિવાદને મુદ્દે પટોલેએ કહ્યું હતું કે આ વિવાદનું નિરાકરણ કરવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
કૉંગ્રેસ સાંગલી, ભિવંડી અને મુંબઈમાં બે બેઠકો પર ઉમેદવારી નોંધાવવા માગે છે અને અમને વિશ્ર્વાસ છે કે અમને આ બેઠકો મળશે, એમ તેમણે કહ્યું હતું.