લોકસભા ચૂંટણી 2024: મહાયુતિ અને મહાવિકાસ આઘાડીની બેઠકોની ફાળવણી ક્યાં અટકી?
અનેક બેઠકો પર નેતાઓની ચિંતામાં વધારો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણીને પગલે આખા દેશમાં અત્યારે પ્રચારની ધમાલ ચાલી રહી છે ત્યારે મહારાષ્ટ્રમાં હજી સુધી સત્તાધારી મહાયુતિ અને વિપક્ષી ગઠબંધન મહાવિકાસ આઘાડીની લોકસભાની ચૂંટણીની બેઠકોની વહેંચણી હજી સુધી ફાઈનલ થઈ શકી નથી અને આને કારણે રાજ્યના અનેક મોટા નેતાઓ હજી સુધી ટેન્શનમાં છે. બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાને ગણતરીના કલાક બાકી છે તેમ છતાં વહેંચણી ફાઈનલ થઈ નથી ત્યારે આ વહેંચણી ક્યાં અટકી છે તેની જાણકારી મેળવવાનો પ્રયાસ કરીએ.
રાજ્યમાં 45 (પિસ્તાલીસ) પારનું લક્ષ્યાંક લઈને ભાજપ મેદાનમાં ઉતરી છે અને તેની મહાયુતિમાં શિવસેના, એનસીપી અને કેટલાક નાના પક્ષો છે. વિજયના લક્ષ્યાંકને સાધ્ય કરવા માટે ભાજપે શિવસેનાની કેટલીક બેઠકો પર પોતાનો દાવો ઠોક્યો છે. ભાજપે રાજ્યના બધા જ મતદારસંઘો પર સર્વેક્ષણ કરાવ્યું હતું અને તેમાં અનેક મતદારસંઘમાં શિવસેનાના સંસદસભ્યો સામે નારાજી હોવાનું સામે આવ્યું હતું. આ બાબતને ધ્યાનમાં રાખીને ભાજપે ચૂંટણી જીતી શકે એવા જ ઉમેદવારો પર ધ્યાન આપવાનું નક્કી કર્યું હતું.
આ પણ વાંચો : લોકસભા ચૂંટણીઃ ઠાકરેની સેનાએ વધુ 4 ઉમેદવાર જાહેર કર્યા, જાણો કોને મળી ટિકિટ?
નાશિકમાં હેમંત ગોડસેને ઉમેદવારી આપવા સામે ભાજપનો વિરોધ છે, સ્થાનિક ભાજપના નેતા આ બેઠક પર લડવા ઈચ્છુક છે અને આ બધાની વચ્ચે હવે એનસીપી અજિત પવાર જૂથના છગન ભુજબળને આ બેઠક પરથી ઉમેદવારી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
યવતમાળ-વાશિમ બેઠક પર ભાવના ગવળી સામે ભાજપનો વિરોધ છે. અહીં સંજય રાઠોડને ઉમેદવારી આપવાનું વિચારવામાં આવી રહ્યું છે.
થાણેની બેઠક પર પણ ભાજપે દાવો કર્યો છે.
હિંગોલીના સંસદસભ્ય હેમંત પાટીલને શિવસેના તરફથી ઉમેદવારી જાહેર કરી નાખવામાં આવી છે, પરંતુ તેમની ઉમેદવારી સામે પણ ભાજપનો વિરોધ છે. ઉમેદવારી જવાની શક્યતાને ધ્યાનમાં લેતાં હેમંત પાટિલ પણ સક્રિય થઈ ગયા છે અને પોતાના કાર્યકાર્તાઓની સાથે તેમણે મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન વર્ષા બંગલો પર શક્તિપ્રદર્શન પણ કર્યું હતું.
મહાયુતિમાં અત્યારે જે બેઠકો પર વિવાદ છે તેમાં હિંગોલી, હાથકણંગલે, નાશિક, સાતારા, પાલઘર, થાણે અને કલ્યાણનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : વિપક્ષના ગઠબંધનમાં વડા પ્રધાનનો ચહેરો કોણ? શરદ પવારે શું આપ્યો જવાબ?
બીજી તરફ મહાવિકાસ આઘાડીમાં પણ બેઠકોની વહેંચણી અનેક મુદ્દા પર અટકી પડી છે. અહીં જે બેઠકો પર એકમત સધાઈ શક્યો નથી તેમાં સાંગલી, દક્ષિણ-મધ્ય મુંબઈ અને ભિવંડીની બેઠકો પ્રમુખ છે. આ બેઠકો બાબતે એકમત સાધવા માટે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. જોકે, બેઠકોની વહેંચણીનું અંતિમ સ્વરૂપ કેવું હશે તે આગામી બે દિવસમાં ફાઈનલ થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.