Lok Sabha Election: મહારાષ્ટ્રમાં ‘મહાયુતિ’ને મળશે કેટલી બેઠકો…: જાણી મોટું વિશ્લેષણ
![When will the decision of five seats in Mahayuti?](/wp-content/uploads/2024/04/Jignesh-MS-2024-04-29T174600.758.jpg)
મુંબઈ: મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકો (Lok Sabha Election) માટે પાંચ તબક્કામાં મતદાન પૂરું થઇ ગયું છે અને હવે ચોથી જૂનના રોજ પરિણામો જાહેર થાય તેની રાહ જોવામાં આવી રહી છે. આ દરમિયાન સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને દ્વારા જીતના દાવાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે ચૂંટણીના પરિણામોનો અભ્યાસ કરનારી સંસ્થાના નિષ્ણાંતો દ્વારા મોટી ભવિષ્યવાણી મહારાષ્ટ્રના પરિણામોને લઇને કરવામાં આવી છે.
રાજકીય વિશ્ર્લેષણ કરનારા એક નિષ્ણાંત પ્રોફેસર દ્વારા ચોંકાવનારી ભવિષ્યવાણી કરવામાં આવી છે. પ્રોફેસરે જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં ભાજપનું મિશન 45 એટલે કે 45 બેઠકો પર મહાયુતિની જીતનું મિશન નિષ્ફળ થઇ રહેલું જણાય છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીને સારી એવી બેઠક મળી રહેલી જણાય છે. 2019ની સરખામણીએ કૉંગ્રેસનું પ્રદર્શન સારું રહેશે જ્યારે ભાજપનું પ્રદર્શન ગઇ ચૂંટણીની સરખામણીએ ખરાબ રહેશે તેવી શક્યતા છે.
આ વિશે સ્પષ્ટતા કરતા તે જણાવે છે કે ભાજપના સહયોગીઓની સંખ્યા 2019 કરતાં ઓછી થઇ છે જ્યારે કૉંગ્રેસને આ ચૂંટણીમાં ક્ષેત્રીય દળોનું સમર્થન મળ્યું છે. મહાવિકાસ આઘાડીને આ વખતે 25થી 26 બેઠકો મળવાની શક્યતા છે જ્યારે મહાયુતિને 48માંથી 21-22 બેઠકો મળી શકે. એટલે કે આ વખતે મહાયુતિને નુકસાન વેઠવું પડશે. 2019ની ચૂંટણીમાં મહાયુતિએ 48માંથી 41 બેઠકો પર વિજય મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં મહાયુતિમાં ભાજપ 28 બેઠકો પરથી, શિવસેના(એકનાથ શિંદે) 15 બેઠકો પરથી જ્યારે એનસીપી(અજિત પવાર) ચાર બેઠકો પરથી ચૂંટણી લડી હતી. મહાવિકાસ આઘાડીની વાત કરીએ તો કૉંગ્રેસ 17 બેઠક પરથી શિવસેના(ઉદ્ધવ ઠાકરે) 21 બેઠક પરથી જ્યારે એનસીપી (શરદચંદ્ર પવાર) 10 બેઠક પરથી ચૂંટણી લડી હતી