વરસાદે લોકલ ટ્રેન પર મારી ‘બ્રેક’: ટ્રેનોમાં અટકેલા પ્રવાસીઓએ તોબા પોકારી…
મુંબઈઃ મુંબઈ સહિત પરાના વિસ્તારમાં બપોર પછી પડેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થવાથી જનજીવન પર અસર થઈ હતી, જ્યારે મુંબઈના રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે લોકલ ટ્રેનસેવા પર અસર થતા પ્રવાસીઓ માટે હાલાકીભર્યો દિવસ રહ્યો, જ્યારે ટ્રેનોમાં અટવાયેલા પ્રવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.
મધ્ય રેલવેની મેઈન લાઈનમાં મુલુંડથી વિદ્યાવિહાર વચ્ચે ભારે વરસાદને કારણે અમુક સ્ટેશને લોકલ ટ્રેનોને રોકી દેવામાં આવી હતી, જેથી અનેક સ્ટેશન પર પ્રવાસીઓની હકડેઠઠ ભીડ જોવા મળી હતી. અમુક રેલવે સ્ટેશને તો યાર્ડમાં રોકી દેવામાં આવતા અમુક પ્રવાસીઓ રેલવે ટ્રેક પર ચાલ્યા હતા, જ્યારે સાડા નવ વાગ્યા પછી સીએસટીથી ફાસ્ટ ટ્રેનોને છોડવામાં આવી હતી. આ ઉપરાંત,
પશ્ચિમ રેલવે સહિત મધ્ય રેલવેની મેઈન લાઈનના રેલવે સ્ટેશનમાં ખાસ કરીને માટુંગા, કુર્લા અને ભાંડુપ રેલવે સ્ટેશનના ટ્રેક પર પાણી ભરાયા હતા, પરિણામે લોકલ ટ્રેનોને મર્યાદિત સ્પીડ પરથી દોડાવવામાં આવી રહી છે, એમ મધ્ય રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું.
મધ્ય રેલવેમાં ભાંડુપ અને નાહુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર પાણી ભરાયા હતા, જ્યારે ભાંડુપમાં એક, બે, ત્રણ અને ચાર નંબરના પ્લેટફોર્મ પર વરસાદના પાણી ભરાઈ ગયા હતા, જ્યારે ધીમી ગતિએ લોકલ ટ્રેનોની અવરજવરના વીડિયો પોસ્ટ કરીને પ્રવાસીઓએ વરસાદ પર પણ રોષ ઠાલવ્યો હતો. ડોંબિવલીના રહેવાસી આશીષ પટેલે કહ્યું હતું કે ભારે વરસાદને કારણે મારી ટ્રેન કુર્લાથી પોણો કલાકથી રોકી દેવામાં આવી છે, પરંતુ ટ્રેન હટતી નથી. મારી સાથે સેંકડો પ્રવાસીઓ અટવાયા છે, તેથી પ્રવાસીઓએ તોબા પોકારી છે.
આ અંગે મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે મેઈન લાઈનમાં રાતના 8.10 વાગ્યાના સુમારે અપ એન્ડ ડાઉન સ્લો લાઈનની લોકલ ટ્રેનસેવા પર અસર થઈ હતી, ત્યારબાદ લોકલ ટ્રેનોને કલાકના 30 કિલોમીટરના સ્પીડ રિસ્ટ્રિક્શનથી દોડાવવામાં આવી રહી હતી, પરંતુ લોકલ ટ્રેનો મોડી દોડતા પ્રવાસીઓને હાલાકી પડી હતી. મધ્ય રેલવેમાં પોણા દસ વાગ્યે તમામ પ્લેટફોર્મ પરના ઈન્ડિકેટર હટાવી દીધા પછી પ્રવાસીઓમાં નારાજગી વ્યાપી હતી. મેઈન લાઈન અને હાર્બર લાઈનમાં અનકે ટ્રેનો રદ કરતા પ્રવાસીઓ અટવાતા લોકોએ રીતસરના રેલવે પ્રશાસન વિરુદ્ધ ફરિયાદ કરી હતી.
મુંબઈમાં પડેલા ભારે વરસાદને કારણે જાહેર પરિવહનની સાથે ટેક્સી અને બેસ્ટની સેવાને પણ અસર થઈ હતી, જ્યારે મેટ્રોની ટ્રેનસેવા પર અસર પડી હતી. ભારે વરસાદને કારણે મેટ્રોની ટ્રેનો પણ ધીમી દોડાવવામાં આવી હતી, તેથી સ્ટેશનો પર પણ પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી.