લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવાના છોઃ આજે રાતે અને આવતીકાલે આ લાઈનમાં રહેશે બ્લોક

મુંબઈ: મુંબઈ સબર્બન રેલવેની ત્રણેય લાઈનમાં ટ્રાવેલ કરવાનું વિચારો છો. જો હા તો વાંચી લેજો મહત્ત્વના સમાચાર, કારણ કે આજે રાતના મધ્ય રેલવેની મેઈન લાઈનમાં નાઈટ બ્લોક રહેશે, જ્યારે હાર્બર અને પશ્ચિમ રેલવેમાં વિશેષ બ્લોક રહેશે. મધ્ય રેલવેની હાર્બર લાઈનમાં વડાલાથી માનખુર્દના અપ અને ડાઉન બંને લાઈનમાં બ્લૉક લેવામાં આવશે તેમ જ પશ્ચિમ રેલવેના સાંતાક્રુઝ અને ગોરેગાંવના કોરિડોરની ફાસ્ટ લાઇનમાં બ્લૉક હાથ ધરવામાં આવવાનો છે. હાર્બર લાઈન સિવાય મધ્ય રેલવેની મેઈન લાઈનમાં આવતીકાલે મોર્નિંગમાં કોઈ બ્લૉક લેવામાં આવવાનો નથી, પણ આ લાઈનમાં આજે રાતના થાણેથી કલ્યાણ વચ્ચે નાઇટ બ્લૉક લેવામાં આવશે.
મધ્ય રેલવેમાં થાણે અને કલ્યાણ વચ્ચે આજે રાતના 11.40થી આવતીકાલે સવારના 3.40 વાગ્યા સુધી નાઈટ બ્લૉક લેવામાં આવવાનો છે. નાઈટ બ્લૉકને કારણે આ માર્ગમાં પાંચમી અને છઠ્ઠી લાઇન પર દોડતી મેલ અને એક્સ્પ્રેસ ટ્રેનોને લોકલની ફાસ્ટ લાઈનો પર વાળવામાં આવશે. મેલ-એક્સ્પ્રેસ લોકલ માર્ગ પર દોડતા આ ટ્રેનો 15-20 મિનિટ સુધી મોડી દોડશે. આ માર્ગ પર આજે રાતે બ્લૉક લેવામાં આવતા આવતી કાલે મધ્ય રેલવેના પ્રવાસીઓને બ્લૉકથી રાહત મળી છે.
પશ્ચિમ રેલવેમાં સાંતાક્રૂઝથી ગોરેગાવ દરમિયાન અપ અને ડાઉન આ બંને માર્ગના ફાસ્ટ લાઇન પર સવારે 10 વાગ્યાથી પાંચ વાગ્યા સુધી પાંચ કલાક સુધી બ્લોક લેવામાં આવશે. પશ્ચિમ રેલવે પર સાત કલાકના બ્લૉકને કારણે ફાસ્ટ લાઇન પરની બધી ટ્રેનોને સ્લો લાઇન પર દોડાવવામાં આવશે. ફાસ્ટ ટ્રેનોને સ્લો લાઇન પર ડાઈવર્ટ કરતાં આ માર્ગની અમુક લોકલ ટ્રેનોને રદ પણ રહેવાથી ટ્રેનસેવા મોડી પડી શકે છે.
મધ્ય રેલવેના હાર્બર માર્ગ પર વડાલાથી માનખુર્દના આ સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન બંને માર્ગ પર સવારે 11 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી બ્લૉક લેવામાં આવવાનો છે. બ્લૉક દરમિયાન આ માર્ગની વડાલા રોડથી માનખુર્દ, સીએસએમટીથી વાશી, બેલાપુર, પનવેલ અપ-ડાઉન માર્ગની દરેક લોકલ ટ્રેનને રદ કરવામાં આવશે. તે સાથે સીએસએમટીથી ગોરેગાવ આ રુટની ટ્રેન સેવા નિયમિત રીતે શરૂ રાખવામાં આવી છે. આ દરમિયાન પ્રવાસીઓની સગવડ માટે પનવેલથી માનખુર્દ વચ્ચે વિશેષ લોકલની સેવા આપવામાં આવશે.