લોન કન્સલ્ટન્ટે ક્રિપ્ટોકરન્સી ફ્રોડમાં 72 લાખ રૂપિયા ગુમાવ્યા

થાણે: નવી મુંબઈના 56 વર્ષના લોન કન્સલ્ટન્ટે ક્રિપ્ટોકરન્સી ફ્રોડમાં 72.7 લાખ રૂપિયા ગુમાવ્યા હતા.
બેલાપુરમાં રહેતા ફરિયાદીને અમુક લોકોએ ઉચ્ચ વળતરની ખાતરી આપી યુએસડીટી (તેથર)માં રોકાણ કરવા લલચાવ્યો હતો.
ફરિયાદીનો વિશ્વાસ સંપાદન કર્યા પછી આરોપીઓએ ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગમાં સારું વળતર મળતું હોવાનું વચન આપ્યું હતું. લાલચમાં આવીને ફરિયાદીએ મે, 2024થી ડિસેમ્બર, 2025 દરમિયાન વિવિધ વેબસાઈટ મારફત આરોપીએ આપેલા એકાઉન્ટ્સમાં નાણાં ટ્રાન્સફર કર્યાં હતાં. બાદમાં ઠગ ટોળકીએ બધા સંપર્ક તોડી નાખ્યા હતા.
થોડા સમય બાદ ઈન્વેસ્ટમેન્ટ પ્લૅટફોર્મ્સ પર પોતાને બ્લૉક કરી દેવામાં આવ્યો હોવાની જાણ થતાં ફરિયાદીને પોતે છેતરાયો હોવાનું માલૂમ પડ્યું હતું. આખરે તેણે પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
ફરિયાદને આધારે પોલીસે રવિવારે પાંચ અજાણ્યા શખસ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4), 319(2) અને 3(5) તેમ જ ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
(પીટીઆઈ)



