મહારાષ્ટ્રમાં આ ત્રણ દિવસ દારૂની દુકાનો બંધ રહેશે, જાણો ડ્રાય ડેની તારીખો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, રાજ્યમાં ત્રણ દિવસ માટે ડ્રાય ડે જાહેર કરવામાં આવ્યા છે. 14થી 16 જાન્યુઆરી સુધી 29 મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં ડ્રાય ડે રહેશે. આ સમયગાળા દરમિયાન, દારૂના વેચાણ, ખરીદી અને સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. બાર અને દારૂની દુકાનો બંધ રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પગલાનો મુખ્ય હેતુ શાંતિપૂર્ણ અને ન્યાયી ચૂંટણીઓ સુનિશ્ચિત કરવાનો છે.
મહારાષ્ટ્રમાં આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓ માટેનો પ્રચાર આજથી સમાપ્ત થશે. પક્ષો અને ઉમેદવારો દ્વારા જાહેર રેલીઓ અને રાજકીય પ્રવૃત્તિઓ સમાપ્ત થશે. 13 જાન્યુઆરીએ ચૂંટણી પ્રચારના અંત સાથે ડ્રાય ડે ની શરૂઆત થશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે 14થી 16 જાન્યુઆરી સુધીના ડ્રાય ડે કાયદો અને વ્યવસ્થા જાળવવા, શાંતિપૂર્ણ પ્રચાર સુનિશ્ચિત કરવા અને નિષ્પક્ષ ચૂંટણીઓ યોજવા માટે છે.
આ પણ વાંચો: મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી: મતદાનના સમયમાં 1 કલાકનો ઘટાડો, જાણો કારણો?
વહીવટીતંત્રે જણાવ્યું છે કે નિયુક્ત મ્યુનિસિપલ હદમાં દારૂની દુકાનો, બાર, પરમિટ રૂમ અને તમામ દારૂ વેચતી દુકાનો આ ચાર દિવસ માટે બંધ રહેશે. અધિકારીઓએ નાગરિકો, મતદારો અને વ્યાપારીઓને આ નિર્ણયને સમર્થન આપવા અને લાદવામાં આવેલા નિયંત્રણોનું પાલન કરવા અપીલ કરી છે.
એક અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે ચૂંટણી દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટનાને રોકવા અને સરળ મતદાન પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે ડ્રાય ડે વ્યૂહરચનાનો એક ભાગ છે. દારૂ વિક્રેતાઓને દારૂ પરના પ્રતિબંધો વિશે પહેલાથી જ જાણ કરવામાં આવી છે. પોલીસ અને સ્થાનિક અધિકારીઓ જાહેર સ્થળો પર કડક નજર રાખશે. અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.



