વિધાન પરિષદ સભાપતિપદની ચૂંટણી શિયાળુ સત્રમાં?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એનસીપીમાંથી અલગ થયેલા અજિત પવાર જૂથને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હજી સુધી મૂળ એનસીપી તરીકેની માન્યતા આપવામાં આવી ન હોવાથી અને ભૂતપૂર્વ સભાપતિ રામરાજે નાઈક-નિંબાળકરને અપાત્ર જાહેર કરવાની પિટિશન હજી સુધી પેન્ડિંગ હોવાથી વિધાનપરિષદના સભાપતિ પદની ચૂંટણી રખડી ગઈ છે. આ કાનૂની અને રાજકીય અવરોધને કારણે વિધાનસભાના આગામી મહિને નાગપુરમાં થઈ રહેલા શિયાળુ સત્રમાં પણ આ ચૂંટણી થવાની શક્યતા ધુંધળી થઈ ગઈ છે.
વિધાન પરિષદનું સભાપતિપદ અજિત પવાર જૂથની સાથે રહેલા રામરાજે નાઈક-નિંબાળકરને આપવાનું આશ્ર્વાસન ભાજપે આપ્યું હતું, પરંતુ સભાપતિપદની ચૂંટણી જાહેર થતી ન હોવાથી અજિત પવાર જૂથ ચિંતામાં છે. ઉપસભાપતિ ડો. નીલમ ગોરે ઉદ્ધવ ઠાકરે જૂથમાં હતા ત્યારે ભાજપને સભાપતિ પદની ચૂંટણી કરાવવાની ઉતાવળ હતી, પરંતુ ગોરે એક મહિના પહેલાં શિંદે સાથે આવી ગયા હોવાથી હવે ભાજપને સભાપતિપદની ચૂંટણી કરાવવાની ઉતાવળ જણાતી નથી.
આ ચૂંટણી અંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ગોરે સાથે થોડા દિવસો પહેલાં ચર્ચા પણ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. રાજ્યપાલ પાસેથી સૂચન આવે કે તરત જ ચૂંટણી કરાવવાની તૈયારી ગોરેએ દાખવી હતી. આમ છતાં હજી સુધી ચૂંટણીનો નિર્ણય ન થયો હોવાથી નિંબાળકરને સભાપતિ બનાવવામાં ભાજપને રસ ન હોવાની ચર્ચા થઈ રહી છે. આથી જ અલગ અલગ કારણો આગળ કરીને ચૂંટણી ટાળવામાં આવી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું હોવાથી પવાર જૂથમાં નારાજગી જોવા મળી રહી છે.
મૂળ એનસીપી કોની છે અને ઘડિયાળનું ચિહ્ન કોની પાસે રહેશે તેના પર હજી ચૂંટણી પંચમાં સુનાવણી ચાલી રહી છે. ચૂંટણી પંચ આ અંગેનો નિર્ણય આગામી મહિનામાં લેશે એવી શક્યતા છે. આ ચુકાદો આવ્યા પછી લડાઈ સુપ્રિમ કોર્ટ સુધી જવાની શક્યતા છે. જ્યાં સુધી કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી સભાપતિપદની ચૂંટણી કરવી નહીં એવી સલાહ કાનૂની નિષ્ણાતોએ ભાજપને આપી હોવાનું ઉચ્ચસ્તરીય સૂત્રો જણાવી રહ્યા છે.
ભાજપે નિંબાળકરને સભાપતિપદનું વચન આપ્યું હોવા છતાં તેમની વિરુદ્ધ એનસીપીના જિતેન્દ્ર આવ્હાડે અપાત્રતા પિટિશન દાખલ કરાવી છે. તેમ જ ઉપસભાપતિ નીલમ ગોરે સામેની પણ અપાત્રતાની પિટિશન પડતર છે. તેનો નિર્ણય ન આવે તે પહેલાં જ જો સભાપતિપદની ચૂંટણી થાય તો કાનૂની અવરોધો ઊભા થઈ શકે, આથી સભાપતિપદની ચૂંટણી મોકૂફ રાખવાનું સત્તાધારી પક્ષ દ્વારા કહેવામાં આવી રહ્યું છે.