સાત લોકલ ટ્રેન સ્ટેશનોના નામ બદલવાનો ઠરાવ વિધાન પરિષદમાં મંજૂર
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદે મંગળવારે સર્વસંમતિથી મુંબઈ લોકલ ટ્રેન નેટવર્ક પરના સાત સ્ટેશનોના નામ બદલવાનો ઠરાવ મંજૂર કર્યો હતો.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી અને ભાજપની બનેલી મહાયુતિ સરકાર હવે કેન્દ્ર સરકારને મંજૂરી માટે નવા નામો મોકલી આપશે.
રાજ્યના સંસદીય બાબતોના પ્રધાન ચંદ્રકાંત પાટીલ દ્વારા રજૂ કરાયેલા ઠરાવને સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યો હતો.
મુંબઈ લોકલ ટ્રેન નેટવર્ક પરના મોટાભાગના સ્ટેશનોના નામ અંગ્રેજીમાં છે અને એવી દલીલ કરવામાં આવી છે કે તેઓ અંગ્રેજોનો વારસો દર્શાવે છે.
ઠરાવ મુજબ કરી રોડ સ્ટેશનનું નામ લાલબાગ, સેન્ડહર્સ્ટ રોડનું નામ ડોંગરી, મરીન લાઇન્સનું નામ મુંબાદેવી અને ચર્ની રોડનું નામ ગિરગાંવ રાખવામાં આવશે.
આ પણ વાંચો : મુંબઇ BMW હીટ એન્ડ રન કેસમાં સામે આવ્યો સનસનીખેજ ખુલાસો
સેન્ડહર્સ્ટ રોડનું નામકરણ સેન્ટ્રલ લાઇન તેમજ હાર્બર લાઇન બંને સ્ટેશનો માટે રહેશે. અન્ય સ્ટેશનોમાં કોટન ગ્રીન સ્ટેશનનું નામ કાલાચોકી, ડોકયાર્ડ રોડનું નામ મઝગાંવ અને કિંગ્સ સર્કલ સ્ટેશનનું નામ તીર્થંકર પાર્શ્ર્વનાથ રાખવામાં આવશે.
આ પહેલાં મુંબઈએ અગાઉ સ્ટેશનના નામમાં આવા ફેરફારો જોયા હતા, જેમાં વિક્ટોરિયા ટર્મિનસ (વીટી) જેવા પ્રતિષ્ઠિત સ્ટેશનોનું નામ બદલીને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) અને એલ્ફિન્સ્ટન રોડનું નામ પ્રભાદેવી કરવામાં આવ્યું હતું. જેના પગલે જાહેર જગ્યાઓ માટે સાંસ્કૃતિક રીતે યોગ્ય નામકરણને અપનાવવાની દિશામાં પ્રગતિ થઈ છે.
વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ છત્રપતિ સંભાજીનગર શહેરના એરપોર્ટનું નામ ક્યારે બદલવામાં આવશે એવો પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો. શહેરનું નામ બદલાઈ ગયા પછી પણ એરપોર્ટ ઔરંગાબાદ એરપોર્ટ જ કહેવામાં આવે છે.
જોકે ડેપ્યુટી ચેરપર્સન નીલમ ગોરે દ્વારા ચર્ચાની દાનવેની માગણીને એમ કહીને નકારી કાઢવામાં આવી હતી કે સંબંધિત પ્રધાન તેમના પ્રશ્ર્નનો જવાબ પછી આપી શકે છે.
મહારાષ્ટ્ર સરકારે અગાઉ મરાઠવાડા ક્ષેત્રના ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ જિલ્લાના નામ બદલીને અનુક્રમે છત્રપતિ સંભાજીનગર અને ધારાશિવ કર્યા હતા. (પીટીઆઈ)