આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

હજુ તો ગામ વસ્યું નથી ને… ચૂંટણી પહેલા જ મહાયુતીમાં ખેંચતાણ, અજિત પવારે આપ્યું અલ્ટિમેટમ

મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાન સભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે. ચૂંટણીનો અંતિમ તબક્કો શરૂ થઇ ગયો છે. દરેક પક્ષ પ્રચારમાં પડ્યા છે અને જુદા જુદા વચનો આપી લોકોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવા સમયે શાસક મહાયુતિમાં બધુ ઠીક ના હોય એવું લાગી રહ્યું છે. એનસીપીના અજિત પવારે તો અલ્ટિમેટમ જ આપી દીધુ છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે હિન્દુત્વનું પત્તુ રમ્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ‘બટોંગે તો કટોંગે’ અને પીએમ મોદીએ ચૂંટણી માટેની પ્રચાર સભાઓમાં ‘એક હૈ તો સેફ હૈ’ ના નારા લગાવ્યા છે. બસ આ કારણે જ પક્ષમાં પરેશાની શરૂ થઇ છે. મહાયુતિમાં અજીતદાદા જૂથ આ જાહેરાતથી નારાજ છે.

તેમને આ જાહેરાત પસંદ નથી આવી. તેમનું માનવું છે કે મહારાષ્ટ્રમાં આવી જાહેરાતોની જરૂર નથી. અજિત પવારના પક્ષના નેતાઓએ તો ચેતવણી જ આપી દીધી છે કે જો ભાજપ આ મુદ્દે રાજકારણ નહીં છોડે તો તેઓ મહાયુતિ સરકારમાં સામેલ નહીં થાય, જેને કારણે ભાજપ પણ ટેન્શનમાં આવી ગયું છે.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગયા અઠવાડિયે વાશિમમાં એક જાહેર સભામાં ‘બટોંગે તો કટોંગે’નો નારો લગાવ્યો હતો, જ્યારે પીએમ મોદીએ તેમની રાજ્યની પહેલી પ્રચાર સભામાં એક હૈ તો સેફ હૈનો નારો આપ્યો હતો. ભાજપના સાથી પક્ષોને લાગે છે કે તેઓએ હિંદુત્વનું કાર્ડ રમ્યું છે, જે તેમની વિચારધારા સાથે સુસંગત નથી.

એકનાથ શિંદેની શિવસેના પણ આ બંને નારા અંગે વિરોધ દર્શાવી ચૂકી છે. મહાવિકાસ આઘાડીએ આ બંને સૂત્રોની આકરી ટીકા કરી છે.

મહાયુતિના અજિતદાદા પવારે આ નારાને ગંભીરતાથી લીધા છેઅને જણાવ્યું છે કે મહારાષ્ટ્ર શિવાજી, શાહુ-ફૂલે-આંબેડકરનું છે. અહીં સાધુ-સંતોની પરંપરા છે. તેમણે ભાજપના બંને નારાને નકારી કાઢ્યા છે. ભાજપના પંકજા મુંડેએ પણ આ બંને નારાનો શાંતિપૂર્વક વિરોધ કરતા કહ્યું છે કે આ તેમની રાજનીતિ નથી. મહારાષ્ટ્ર બધા માટે છે.
અજિત પવાર જૂથના નવાબ મલિક માનખુર્દ-શિવાજીનગર મતવિસ્તારના ઉમેદવાર છે.

Also Read – Assembly Election:…તો દિવાળી પછી બીજું વેકેશન વિદ્યાર્થીઓને મળી શકે…

નવાબ મલિકે પણ ‘બટોંગે તો કટોંગે’ના નારા સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે તો ચીમકી જ આપી દીધી છે કે ભાજપ જો આવા વિવાદીત મુદ્દે રાજકારણ બંધ નહીં કરે તો તેમનો પક્ષ મહાયુતિની સરકારમાં સામેલ નહીં થાય.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button