
મુંબઈઃ આ વર્ષે મુંબઈમાં વરસાદની વહેલી પધરામણી થઇ હતી, પણ થોડા દિવસોથી વરસાદે વિરામ લીધો હતો. જોકે, રવિવારે અને આજે વરસાદે શરુ કરેલી ધમાકેદાર બીજી ઇનિંગ્સ ઠંડક થઈ છે.
આજે સવારથી શહેરમાં ભારે વરસાદ ચાલુ રહ્યો હતો, પરંતુ આ વરસાદ વચ્ચે એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક એસી લોકલ ટ્રેનના કોચમાં વરસાદી પાણી ટપકતું જોવા મળ્યું હતું, જેનાથી મુસાફરો અને નાગરિકોમાં રોષ ફેલાયો હતો.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઝડપથી વાયરલ થયેલી આ ક્લિપમાં સવારના પીક અવર્સ દરમિયાન મુસાફરોથી ખીચોખીચ ભરેલા કોચમાં છતમાંથી પાણી ટપકવાથી મુસાફરો પરેશાન દેખાઈ રહ્યા હતા. આ વીડિયો ‘જય હો’ નામના યુઝરે શેર કર્યો હતો, જેમાં કેપ્શન હતું: “આ મુંબઈની એસી લોકલ છે.
આપણ વાંચો: Good News: આવતીકાલથી પશ્ચિમ રેલવેમાં 13 એસી લોકલ ટ્રેનની સર્વિસ વધશે…
વરસાદી પાણી અંદર આવી રહ્યા છે. આ માટે અમે આટલા પૈસા ચૂકવીએ છીએ?” યુઝરે રેલવે મંત્રાલય, મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને મધ્ય અને પશ્ચિમ રેલ્વે સહિતના મુખ્ય અધિકારીઓને ટેગ કર્યા હતા.
પોસ્ટનો જવાબ આપતા, રેલ્વેસેવાએ ફરિયાદ સ્વીકારી અને જરૂરી કાર્યવાહી માટે તેને મધ્ય રેલ્વેના મુંબઈ ડિવિઝનમાં મોકલી દીધી. રેલ વપરાશકર્તાઓ માટેનું એક સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ, રેલસેવાએ વાયરલ વિડિઓનો જવાબ મુંબઈ ડિવિઝન મધ્ય રેલ્વેના સત્તાવાર X એકાઉન્ટને ટેગ કરીને એક ટિપ્પણી દ્વારા આપ્યો, જેમાં લખ્યું હતું કે, “જરૂરી કાર્યવાહી સંબંધિત અધિકારીને સોંપવામાં આવી છે.”
આ ઘટનાએ ચોમાસા દરમિયાન મુંબઈની ઉપનગરીય રેલ વ્યવસ્થાની જાળવણી અને તૈયારીઓ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. આરામદાયક મુસાફરી માટે શરુ થયેલી એસી લોકલ ટ્રેનોની જાળવણીમાં રહેલી ત્રુટીઓ હવામાન સંબંધિત પરિસ્થિતિઓમાં ઉઘાડી પડી છે અને રેલવે લોકોની ટીકાનો સામનો કરી રહી છે.