આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

મુંબઈ કોસ્ટલ રોડ ટનલમાં લીક, એક્શનમાં આવ્યા સીએમ શિંદે

મુંબઇઃ મુંબઈમાં કોસ્ટલ રોડ પર મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. મુંબઈગરાને સુપરફાસ્ટ મુસાફરી પૂરી પાડતો કોસ્ટલ રોડ લીકેજને કારણે વિવાદમાં છે. આ મામલે મુખ્ય પ્રધાન શિંદેએ તુરંત કોસ્ટલ રોડનું નિરીક્ષણ કરી લિકેજ ભરવા માટે આદેશ આપ્યા છે.

મુંબઈની મહત્વાકાંક્ષી કોસ્ટલ રોડ ટનલ માટે સરકારની ટીકા થઈ રહી છે. તેના ઉદઘાટનને ત્રણ મહિના પણ થયા નથી કે કરોડોના ખર્ચે બનેલી ટનલમાં પાણી લીક થવા લાગ્યું છે. 10-11 જૂને મુંબઈમાં ચોમાસુ પ્રવેશી શકે છે. આવી સ્થિતિમાં હવે વરસાદમાં આ કોસ્ટલ રોડ કેટલો સુરક્ષિત છે તેવા સવાલો ઉભા થયા છે. નોંધનીય છે કે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન આ વર્ષે 11 માર્ચે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કર્યું હતું. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, BMC કમિશનર ભૂષણ ગગરાણી અને પોલીસ સાથે મુંબઈ કોસ્ટલ રોડનું નિરીક્ષણ કર્યું હતું. કોસ્ટલ રોડની પ્રથમ લેન ખુલ્યાના બે મહિના બાદ જ ટનલમાં પાણી લીકેજ જોવા મળ્યું હતું. આ લીકેજ પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવર પાસે છે. સતત પાણીના લીકેજને કારણે દિવાલો પરનો રંગ પણ ખરી ગયો છે. સીએમએ કહ્યું હતું કે જોઈન્ટ પોઈન્ટ પર લીકેજ બને તેટલું જલ્દી ભરવામાં આવશે. સીએમ શિંદેએ એમ પણ જણાવ્યું હતું કે કોસ્ટલ રોડની બીજી લેન પણ 10 જૂને ખોલવામાં આવશે.

આદિત્ય ઠાકરેએ આ મામલે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી અને જણાવ્યું હતું કે અમારા ગયા પછી કોસ્ટલ રોડનું કામ ઘણું ધીમું પડી ગયું હતું. ચૂંટણીમાં લાભ ખાટવા માટે ઉતાવળે તેનું ઉદ્ઘાટ કરી દેવામાં આવ્યું હતું. સરકાર દ્વારા વારંવાર ટાઈમલાઈન આપવામાં આવી હતી કે માર્ચ, પછી એપ્રિલ, પછી મે સુધીમાં આખો રસ્તો ખોલી દેવામાં આવશે. હવે તો જૂન આવી ગયો. સરકાર આ અંગે ક્યારે અપડેટ આપશે? એવો સવાલ આદિત્ય ઠાકરેએ કર્યો હતો અને ઉમેર્યું હતું કે તેઓ જ્યારે સરકારમાં આવશે ત્યારે આ વિલંબની તપાસ કરશે.

મુંબઈગરાઓની મુસાફરી સરળ બનાવવા માટે મુખ્ય પ્રધાન પ્રતિબદ્ધ છે. પોતે મુંબઈના ઘણા વિસ્તારોની મુલાકાત લઈને નાળાઓની સફાઈનું નિરીક્ષણ કરી રહ્યા છે. દર વર્ષે રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે ટ્રેન સેવાને અસર પહોંચે છે. મુંબઈગરાઓની મુસાફરી સરળ બનાવવા માટે મુખ્ય પ્રધાને તમામ વિભાગોની ઈમરજન્સી બેઠક બોલાવી હતી અને દરેકને આદેશો આપવામાં આવ્યા છે.

નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થવાની બાકી છે અને વિધાન સભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે. મુંબઈ જેવા શહેરોમાં લોકોની મતદાન ટકાવારી ઓછી જોવા મળી રહી છે. લોકસભા ચૂંટણીમાં તો NDA પ્રભાવશાળી રહ્યું છે, પણ મહારાષ્ટ્રમાં જીતવું તેમને માટે લોઢાના ચણા ચાવવા બરાબર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button