Lok Sabha Electionમાં NCPએ મહાયુતિને ઉગારી લીધી હોવાનો નેતાનો દાવો
મુંબઈ: હાલમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણી (Lok Sabha Election)માં અજિત પવારે યોગ્ય સમયે મહાયુતિમાં સામેલ થઇ મહાયુતિને ઉગારી લીધી હોવાનું અજિત પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)એ જણાવ્યું હતું.
અજિત પવાર જૂથના પ્રવક્તા અમોલ મિટકરીએ ભાજપ અને શિવસેનાના નેતાઓ દ્વારા મહાયુતિમાં મતભેદ ઊભા કરવાના પ્રયાસ થઇ રહ્યા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. એકનાથ શિંદે જૂથની શિવસેનાના નેતા રામદાસ કદમે આજે અજિત પવારે મહાયુતિમાં પાછલા બારણે પ્રવેશ કર્યો હોવાનું નિવેદન આપતા એનસીપી દ્વારા આ આરોપ મૂકવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે મહાયુતિએ મહારાષ્ટ્રની 48 બેઠકમાંથી 17 બેઠક જીતી હતી, જેમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના ફાળે 9, શિવસેનાના ફાળે 7 અને એનસીપીના ફાળે એક બેઠક આવી હતી. જ્યારે શિવસેના (ઉદ્ધવ ઠાકરે), એનસીપી (શરદ પવાર) અને કૉંગ્રેસની મહાવિકાસ આઘાડી (એમવીએ)એ કુલ 30 બેઠક પર વિજય મેળવ્યો હતો.
અજિત પવારે લોકસભાની ચૂંટણી યોજાય તેના થોડા જ વખત પહેલા જુલાઇ મહિનામાં મહાયુતિમાં પ્રવેશ કર્યો હતો. રામદાસ કદમે આપેલા નિવદેનના જવાબમાં એનસીપીએ જણાવ્યું હતું કે અજિત પવારે સમયસર મહાયુતિમાં પ્રવેશ કરતા તમે બચી શક્યા હતા, નહીંતર તમારે હિમાલય જવાનો વારો આવ્યો હોત.